Page Views: 8111

દેશમાં કુલ ૧.૫૪ લાખ લોકો કોરોનાના સંક્રમિત થયા : ૬૫ હજારથી વધુ લોકો સાજા થઇ ઘરે ગયા

આજે સાંજે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૩૫૫૩ કેસ : ૧૨૩૪ લોકો સ્વસ્થ થયા

નવીદિલ્હી-27-05-2020

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અનેક દિવસ થઈ ગયા રોજના ૬૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગતરોજ છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૮૭ નવા કેસ સામે આવ્યા છે અને ૧૭૦ લોકોના મોત થયા છે. આજે સાંજે ૮ વાગ્યા સુધીમાં ૩૫૫૩ જેટલા કેસો નોંધાયા છે. આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧ લાખ ૫૪ હજાર ૩૬૯ થઈ ગઈ છે. જેમાં ૮૪ હજાર ૪૬૬ સક્રિય કેસ છે. ૬૫ હજાર ૫૧૧ લોકો સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી ૪૩૮૧ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં કુલ કેસ ૫૪,૭૫૮ છે અને ૧૭૯૨ લોકોના મોત થયા છે તો તામીલનાડુમાં ૧૮,૫૪૫ કેસ નોંધાયા છે અને ૧૩૬ના મોત થયા છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુ બાદ ગુજરાતમાં સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૫,૨૫૭ થઈ છે. જેમાં ૩૦૩ના મોત થયા છે. આ સિવાય ૭૨૬૪ લોકો સાજા થયા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ સંક્રમણ વધી રહ્યુ છે. રાજસ્થાનમાં ૭૬૮૦ દર્દીઓ છે જેમાં ૧૭૨ લોકોના મોત થયા છે. મ.પ્રદેશમાં ૭૦૨૪ દર્દીઓ છે અને ૩૦૫ લોકોના મોત થયા છે. યુપીમાં ૬૫૪૮ કેસ આવ્યા છે અને ૧૭૦ના મોત થયા છે. બિહારમાં ૨૯૮૩ દર્દીઓ છે અને ૧૩ના મોત થયા છે.