Page Views: 8104

સચિન જીઆઇડીસી ખાતે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

નોટીફાઇડ એરિયાના ફાયર ફાઇટરોથી આગ કાબુમાં ન આવતા સુરત ફાયર બ્રીગેડની આઠ ગાડીઓ દોડાવાઇ- કેમિકલ ડ્રમના બ્લાસ્ટ થતા હોવાથી આગ બેકાબુ

સુરત-23-5-2020

સચિન જીઆઇડીસી ખાતે આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં મોડી સાંજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના અંગે જાણ થતા સચિન નોટીફાઇડ એરિયાના ફાયર ફાઇટરો દોડી ગયા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, તેમનાથી કાબુ આવી શકે તેમ ન હતો. આખરે સાંજે સવા છ વાગ્યાના સુમારે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રીગેડના કાફલાને આઠ ગાડીઓ સાથે દોડાવવામાં આવ્યો છે. અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની આ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ બાદ ફેક્ટરીમાં રહેલા કેમિકલ ડ્રમ ધડાકા ભેર ફાટી રહ્યા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેમજ હાલમાં પણ સ્થિતિ બેકાબુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટના બાદ આસપાસમાં આવેલી અન્ય ફેક્ટરીઓ અને કારખાનાઓ બંધ કરાવીને ખાલી કરાવી દેવામાં આવ્યા છે તેમજ આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

()()() કપરી સ્થિતિમાં ફાયર ચાર્જ નોટીફાઇડ એરિયા ઓથોરીટી પાસે વસુલવા માંગણી

સચિન જીઆઇડીસીની અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા આ અંગેના ચાર્જનું બિલ જે તે ઉદ્યોગકારો પાસેથી વસુલવામાં આવે છે પરંતુ લોકડાઉનને કારણે ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિ ખરાબ છે. આવા સંજોગોમાં સુરત ફાયર બ્રીગેડના ચીફ ઓફીસર સાથે સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ સોસાયટીના માજી સેક્રેટરી મયુર ગોળવાએ વાતચિત કરી અને ફાયર ચાર્જની રકમ ઉદ્યોગકારો પાસેથી વસુલવાને બદલે સચિન નોટીફાઇડ એરીયા ઓથોરીટી પાસેથી આ ચાર્જ વસુલ કરવાની માંગણી કરી હતી.