Page Views: 30057

કોરોનાના કહેર વચ્ચે પ્રતાપરાય હનીમૂન મનાવવાના સ્વપ્ન જોઇ રહ્યા છે

પ્રતાપરાયે પુત્રને ઘરમાંથી હાંકી કાઢી બધુ નવી પત્નીના નામે કરી નાંખ્યુ

સત્ય ઘટનાઃ- યક્ષ-પ્રશ્ન v/s સ્વાર્થની સગાઈ

નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા 

 પ્રતાપરાયનું પંચાવન વર્ષની વયે ફરી ઘોડે ચડવાનું સ્વપ્ન ફળ્યું હતું. હીંચકે ઝૂલતાં ઝૂલતાં એમની નજર દીવાલે લટકતા સરલાના ફૉટા પર પડી અને જાણે એનું પોતાની જિંદગીમાં કંઈ વજૂદ જ નહોતું એવા ભાવ સાથે નજર પાછી ફેરવી લીધી. એક ઓછું ભણેલી, કર્કશા અને ગમાર પત્નીથી છૂટકારો મળ્યાને આજે  છ મહિના થઈ ગયા હતા. તેમનો નવો સંસાર પણ વસી ગયો હતો. ફરી તેમણે હીંચકાને ઠેસ મારી અને અળવીતરું મન સરલા સાથેના સંસાર જીવનની પળોને ઠેસ મારતુ પકડી લાવ્યું.

     સરલા સાથેના લગ્નજીવન દરમિયાન એમને બે સંતાનો: એક દીકરો અને એક દીકરી થયા હતાં. બંને પરિણીત અને બાળ-બચ્ચાવાળા હતાં. જીવનનું રગશિયું ગાડું ગબડ્યે જતું હતું. સરલાની સંકુચિત વિચારસરણીના કારણે એણે પોતાના ભાઈથી પણ પતિના ઘનિષ્ઠ સંબંધો જાળવવા નહોતા દીધા. પોતે કેવી ચતુરાઈ વાપરી હતી એ વિચારે એમણે મનમાં જ ખંધુ હસતા મૂછે તાવ દીધો.

       લગભગ એક વર્ષ પહેલાં જ પત્નીને છાતીમાં ગાંઠ હોવાનું માલૂમ પડ્યું હતું. રીપૉર્ટ કઢાવતાં બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું અને પોતે એને બસમાં બેસાડીને એના પિયર મૂકી આવ્યા હતા. પોતે તો સરકારી નોકરી ધરાવતા હતા. એનો સાળો પણ સરકારી નોકરીમાં જ હતો અને પ્રતાપરાયના જ ડિપાર્ટમેન્ટમાં ઊંચી પોસ્ટ પર હોવાથી એમણે રજા મંજૂર કરાવી આપવાનું કહ્યું હોવા છતાં પોતે રજા નહીં મૂકીને પત્ની-સેવામાંથી છૂટકારો મેળવ્યો હતો! સરલાના ભાઈ-ભાભીએ એની ટ્રીટમેન્ટ કરાવી. ઑપરેશન પછી મહિનાઓ સુધી પિયરમાં રહીને પાછી પોતાના ઘરે આવી પરેજી ન પાળતાં છ મહિનામાં જ કેન્સરે ફરી ઉથલો મારતાં આખા શરીરે પ્રસરી ગયું જે જીવ લેતું ગયું.      

      પ્રતાપરાયે તો સોશિયલ સાઈટ પર જીવનસંગિની શોધવાનું ક્યારનુંય ચાલુ કરી દીધું હતું અને એમને એક મળી પણ ગઈ. તેઓ એના કુટુંબ સાથે બરાબર હળી-ભળી ગયા હતા. નવી સાથીના બનેવીએ પૂરતી તપાસ કરી લીધી હતી. પ્રતાપરાયે પોતાની પે-સ્લીપ સહિત તમામ મિલકતની માહિતી આપી દીધી હતી. એટલું જ નહીં પણ પેન્શન સહિત બધું જ નવી પત્નીને નામ કરી દીધું હતું. એકના એક દીકરાને પણ પત્ની-બાળકો સહિત ઘરમાંથી હાંકી કાઢ્યો હતો એમ કહીને, "તું જોજે હું હવે કેવી લાઈફ-સ્ટાઈલમાં જીવું છું!" લગ્નમાં એમણે સાત લાખનો ખર્ચો કરી પત્નીને ઘરેણાં-કપડાં કરાવી આપ્યાં. હજુ હમણાં જ અઢી મહિના પહેલાં જ નવા સાસુમાનું અવસાન થતાં સસરાની જવાબદારી પણ સસ્મિત ઉપાડી લીધી. નવી પત્નીએ પોતાનું અને પોતાના પિતાનું ભવિષ્ય સિક્યોર કરી લીધું. એને પતિના જૂના સાંસારિક સંબંધો સાથે કોઈ લેવા-દેવા નહોતી!

====================      

      આ બાજુ પુત્ર સસરાના આશરે ગયો એનો પિતાને કોઈ રંજ નથી. એણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા ચાલુ નોકરી છોડી દીધી હતી. બે પરીક્ષા પાસ કરી પછી દૂરના શહેરમાં નોકરી મળી પણ ત્યાં હાજર થાય એ પહેલાં 'કોરોના'એ કેર વર્તાવ્યો અને લૉકડાઉન જાહેર થઈ ગયું. બહેન પણ પૈસાના લોભે પપ્પાની થઈ ગઈ અને ભાઈ-ભાભી સાથે સંબંધ કાપી નાખ્યો. મામા-મામીનો સહારો છે, પણ એય ક્યાં સુધી? પપ્પાની સામે પડવાની હિંમત નથી. બધા એને મિલકતમાં ભાગ માગવા બાપ સામે કૉર્ટે ચડવાની સલાહ આપે છે. હવે એ આ સ્વાર્થી સંસારમાં એકમાત્ર મામા-મામીના સપૉર્ટથી જીવી રહ્યો છે. સાસરામાં રહેવું એને ગમતું નથી પણ મજબૂરી છે. એ શું કરે? કઈ રીતે સ્થિર થાય એ એના જીવનનો યક્ષ-પ્રશ્ન બની ગયો છે!

=====================

 આ બધાથી અલિપ્ત પ્રતાપરાય લૉકડાઉન ખૂલે તો પત્ની સાથે મધુરજની માણવા જવાનો પ્લાન કરી રહ્યા છે પણ કૉરૉના એમને ડરાવી રહ્યો છે!