Page Views: 3951

સુરત શહેરમાં આજે નવા ૨૯ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૧૨૪૫ થયો

કતારગામ ઝોનમાં આજે સૌથી વધુ ૧૦ કેસ નોંધાયા : ત્રણ લોકોના મોત; ૨૨ લોકો ડીસ્ચાર્જ થયા

સુરત-23-05-2020

સુરતમાં કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. જોકે છૂટછાટના સમયમાં કેટલાક લોકો દ્વારા વિવિધ જગ્યા પર ટોળે વળી જઈને તંત્રની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. જયારે શહેરમાં દિવસેને દિવસે વધી રહેલ કેસોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા કમર કસી લઇ સતર્કતા અને સઘન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જયારે શહેરમા આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૯ નવા કોરોના પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જેથી સુરત શહેર કુલ કેસોની સંખ્યા ૧૨૪૫ પર પહોચી છે. સુરત શહેરનો પોઝીટીવીટી રેટ ૬.૩ ટકા નોંધાયો છે. જયારે જીલ્લામાં આજે એક પણ કેસ નોંધાયો નથી. જે સાથે જીલ્લામાં આજ સુધીના કુલ કેસોની સંખ્યા ૯૨ થઇ છે. જયારે સુરત શહેર અને જીલ્લાના બંનેના કેસો મળીને કુલ કેસોની સંખ્યા ૧૩૩૭ થયા છે.

આજે ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સાથે કુલ મૃત્યુઆંક ૫૯ પર પહોચ્યો છે. લીંબાયત ઝોનના પર્વતપાટિયા ખાતે રહેતા ૬૨ વર્ષીય શુસીલા અશોક કદમનું આજેરોજ મૃત્યુ થયું છે. જેમને બ્લડ પ્રેશરની બીમારી હતી. લીંબાયત મદનપુરાના ૭૫ વર્ષીય અનસુયાબેન પ્રેમચંદ ચોપાડકરનું મૃત્યુ થયું છે. જેમને ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને કીડનીની બીમારી હતી. જયારે અઠવા ઝોન અલથાણ ખાતે રહેતા ૭૫ વર્ષીય લીલીબેન મુરલીધર જીંજાતકરને હૃદય રોગનો ગંભીર હુમલો આવ્યો હતો. અને બ્લડ પ્રેશરની બીમારી હતી.

જયારે આજે ૨૨ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં સમરસમાંથી ૭ અને સિવિલમાંથી ૧૫ ડીસ્ચાર્જ થયા છે. જે સાથે આજ સુધીમા કુલ ૮૫૨ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સુરતનો રીકવરી રેટ ૬૮.૪ ટકા સુધી પહોચી ગયો છે. તેમજ હાલ સમરસ કોવિદ સેન્ટરમાં ૪૯ લોકો સારવાર લઇ રહ્યા છે. જયારે અલગ અલગ ઝોનમાં આવેલ કવોરંટાઇન સેન્ટરમાં ૫૮૯ લોકો અને હોમ કવોરંટાઈન હેઠળ પાંચ હજારથી વધુ લોકો છે.

આ અંગેની માહિતી આપતા પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે આજે કતારગામ ઝોનમાં સૌથી વધુ ૧૦ કેસ નોંધાયા છે. લીંબાયત ઝોનમાં આજે ૮ કેસ સામે આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં પાંચ કેસ નોંધાયા છે તો વરાછા ઝોન એમાં આજે ચાર કેસ નોંધાયા છે. તેમજ ઉધના ઝોનમાં બે કેસ બહાર આવ્યા છે. જયારે વરાછા ઝોન બી, રાંદેર ઝોન અને અઠવા ઝોનમાં આજે એક પણ કેસ જોવા મળ્યો નથી.   

કોરોના કેસોનો આંકડો ઝોન વાઈઝ જોઈએ તો લીંબાયત ઝોનમાં આજ સુધીમાં કુલ ૪૭૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. ઉધના ઝોનમાં આજ સુધીમાં કુલ ૧૩૭ કેસ નોંધાયા છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૭૧ કેસ નોંધાયા છે. વરાછા ઝોન એમાં આજ સુધીમાં ૧૬૪ કેસ નોંધાયા છે. કતારગામ ઝોનમાં કુલ ૧૬૮ કેસ થયા છે. અઠવા ઝોનમાં ૩૯ કેસ નોંધાયા છે. વરાછા ઝોન બીમાં કુલ ૨૭ કેસ થયા છે. જયારે રાંદેર ઝોનમાં કુલ ૬૫ કેસ નોંધાયા છે.  

સુરતના તમામ વિસ્તારોમાં ૧૭૦૭ જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાંથી અડધાથી વધારે ટીમો ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કામગીરી કરી છે. આ સર્વે ટીમ દ્વારા ૧૪ લાખથી વધુ જેટલા લોકોને એપીએક્સ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સર્વેની કામગીરીની સાથે ડીસઇન્ફેકશન અને હોમિયોપેથીક દવાની વિતરણની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં ૧૮ લાખ લોકોને દવાનું વિતરણ કરાયું છે. તેમજ જરૂરીયાતમંદ એવા લોકોને ફૂડ પેકેટનું પણ વિતરણ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.