Page Views: 40418

સચિન જીઆઇડીસીમાં મહેન્દ્ર રામોલિયા અને તેના માણસોએ કારીગરને ઢોર માર માર્યો હોવાનો વિડીયો વાયરલ

કારીગરને સચિન પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે પણ મહેન્દ્ર રામોલિયા એ. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

સુરત-22-5-2020

સચિન જીઆઇડીસી ખાતે કારીગરોને વતન જવા માટેના બુકીંગ દરમ્યાન એક કારીગરને વીવર્સ અગ્રણી મહેન્દ્ર રામોલિયા ઉર્ફે મહેન્દ્ર દાઢી અને તેના માણસોએ ઢોર માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં કારીગર એવુ કહે છે કે, મહેન્દ્ર પટેલ અને તેના માણસોએ તેના ચહેરા પર પગ રાખી અને દંડા વડે તેને ફટકાર્યો છે. ઉપરાંત જ્યારે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે ગયો ત્યારે પણ તેને વતન નહીં જવા દઉ અને તને ખોટા કેસમાં ફસાવી દઇશ એવી ધમકી મહેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હોવાનો આરોપ પણ કારીગરે મુક્યો છે. ગરીબ કારીગરોને બે ટંકના રોટલાના પણ ફાંફા છે ત્યારે આ પ્રકારે કાયદાને હાથમાં લઇને નિર્દોષ કારીગરો પર ઘોંસ જમાવવામાં આવતા કારીગરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત રસોડા ચલાવી અને કારીગરોની સેવા કરવાની વાતો કરનારાઓનો ચહેરો ખુલ્લો પડી ગયો હોવાનું પણ કારીગરોનું કહેવુ છે. આ મામલે હવે  સચિન જીઆઇડીસી પોલીસ યોગ્ય તપાસ કરશે કે કેમ તે હવે જોવાનું રહે છે.