Page Views: 3403

ગુજરાતમાંથી ૭૫૪ વિશેષ ટ્રેન મારફતે ૧૧ લાખ શ્રમિકો વતન પહોચ્યા

દેશભરમાં કુલ વિશેષ ટ્રેનમાંથી ત્રીજા ભાગની ટ્રેન ગુજરાતમાંથી દોડી

અમદાવાદ-22-05-2020

દેશભરમાં સૌથી વધુ વિશેષ ટ્રેન દોડાવીને ૧૧ લાખ જેટલા શ્રમિકોને ગુજરાતના વિવિધ જીલ્લામાંથી તેમના વતન મોકલવામાં આવ્યા છે. જે અંગેની માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે તારીખ ૨૧મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૨,૩૧૭ શ્રમિક વિશેષ ટ્રેનો મારફતે આશરે ૩૧ લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા રાજ્યમાં પહોંચ્યા છે. જે તમામ વિશેષ ટ્રેનો પૈકી ૭૫૪ શ્રમિક વિશેષ ટ્રેનો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. આ વિશેષ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે ૧૧ લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોચાડવામાં આવ્યા છે. જે વ્યવસ્થાઓ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પાર પાડવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેનોમાં ઉત્તરપ્રદેશ માટે ૪૬૨, બિહાર માટે ૧૨૬, છત્તીસગઢ માટે ૧૦, જમ્મુ-કાશ્મીર માટે એક, ઝારખંડ માટે ૨૪, મધ્યપ્રદેશ માટે ૨૪, મહારાષ્ટ્ર માટે એક, મણીપુર માટે એક, ઓરિસ્સા માટે ૪૦, રાજસ્થાન માટે એક, તમિલનાડુ માટે બે, પશ્ચિમ બંગાળ માટે બે, ઉત્તરાખંડ માટે પાંચ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફત આશરે ૧૧ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. જયારે આજે શુક્રવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ ૫૫ ટ્રેન દ્વારા ૮૫ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં જવા રવાના થશે.