Page Views: 7098

કોરોના સામેના જંગમાં સુરતના ‘મોટા મંદિર યુવક મંડળ’ દ્વારા 22 લાખ માસ્કનું ઉત્પાદન કરી નિ:શુલ્ક વિતરણ

હું પણ કોરોના વોરિયર’, ‘ડાઉનલોડ આરોગ્ય સેતુ એપ’, ‘મોદી માસ્ક’ જેવા વિવિધ પ્રેરક લખાણવાળા અનોખા ડિઝાઈનર માસ્કના ઉત્પાદન અને નિ:શુલ્ક વિતરણ

સૂરતઃ22-5-200

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સમગ્ર દેશને ‘વોકલ ફોર લોકલ’ દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન પુરૂ પાડવાનું આહ્વવાન કર્યું છે, ત્યારે તેને ખરા અર્થમાં સાકાર કર્યું છે સૂરત શહેરના મોટા મંદિર યુવક મંડળના યુવકોએ. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી વચ્ચે પસાર થઈ રહ્યું છે, આવા સમયે કોરોના સંક્રમણને અટકાવવા માટે દરેક વ્યકિતએ માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. જેથી માસ્કની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ યુવક મંડળના યુવાનોએ ઘર આંગણે ૨૨ લાખ જેટલા માસ્ક બનાવીને વિનામૂલ્યે વિતરણ કરીને દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

             ૨૨ લાખ જેવી અધધ કહી શકાય તેટલી માત્રામાં માસ્ક બનાવવા, તેનું પેકિંગ, ટ્રાન્સપોર્ટ અને વિતરણ કરવાંમાં સંસ્થાના ૩૯ જેટલા સ્વયંસેવકોએ રાતદિન મહેનત કરી રહ્યા છે. હજું વધુ ત્રણ લાખ માસ્ક બનાવીને આ સંસ્થાએ કૂલ ૨૫ લાખના લક્ષ્યાંક સેવ્યો છે. ૩૧ મે પછી જરૂર પડ્યે વધુ માસ્ક બનાવવાનું પણ આયોજન કરાયું છે. ૨૨ લાખ માસ્કનું વિતરણ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ શહેરો અને ગુજરાતની બહાર અમેઠી, વારાણસીમાં પણ મોકલવામાં આવ્યા છે. સાથોસાથ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામેની સીધી લડાઈમાં રાજ્યના સૌ નાગરિકોને ‘કોરોના વોરિયર્સ’ની ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યુ છે, ત્યારે ‘મોટા મંદિર યુવક મંડળ’ સંસ્થાએ કોરોના યોદ્ધાની ભૂમિકાને ખરા અર્થમાં અદા કરતાં લોકડાઉન અમલી બન્યું ત્યારથી આજ સુધીમાં ૨૨ લાખ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરીને ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં, પરંતુ મુખ્યમંત્રીશ્રી પ્રેરિત ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનને બિરદાવવા મંડળ દ્વારા ‘હું પણ કોરોના વોરિયર’ સ્લોગનની ડિઝાઇનવાળા રંગીન માસ્ક બનાવવામાં આવ્યા છે. આ સંસ્થાએ ‘હું પણ કોરોના વોરિયર’, ‘ડાઉનલોડ આરોગ્ય સેતુ એપ’ મોદી માસ્ક’ જેવા વિવિધ પ્રેરક લખાણવાળા અનોખા ડિઝાઈનર માસ્કના  ઉત્પાદન અને નિ:શુલ્ક વિતરણનો પ્રારંભ કર્યો છે. તા.૨૧ થી ૨૭મી મે સુધી એક સપ્તાહ દરમિયાન  ચાલનારા ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનના સમર્થનમાં અને માસ્કને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો સંદેશ આપવાના હેતુથી મંડળ દ્વારા થ્રી લેયર નોન વુવન સાદા માસ્કની સાથોસાથ ડિઝાઈનર માસ્કના વિતરણ કરાશે. જેને પ્રોત્સાહન આપવા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, મેયર ડો. જગદીશ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી સંસ્થાના અનોખા અભિગમ અને નિ:સ્વાર્થ સેવાભાવનાની સરાહના કરી હતી.      

    આ અંગે સંસ્થાના મુખ્ય કાર્યકર્તાશ્રી નેહલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ સ્વદેશી ઉત્પાદનો અપનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશો આપ્યો છે વધુમાં વધુ માસ્ક બનાવીને વિદેશ પર નિર્ભર રહેવાને બદલે ઘરઆંગણે વિપુલ માત્રામાં માસ્ક ઉત્પાદન કરીને વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ. મોટા મંદિર યુવક મંડળ દ્વારા ગત ૨૨મી માર્ચના રોજ જનતા કર્ફ્યું પછી આજ સુધીમાં કૂલ ૨૨ લાખ માસ્કનું વિનામૂલ્યે વિતરણ થઈ ચૂક્યું છે. હજું આ પ્રવૃત્તિ અવિરતપણે શરૂ છે. ૨૩ માર્ચના રોજ અમે સૌં કાર્યકર્તાઓએ ભેગા મળી નક્કી કર્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે માસ્કની મોટા પાયે જરૂરિયાત ઊભી થવાની છે, જેને પહોંચી વળવા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરવાની યોજના બનાવી હતી. શરૂઆતમાં ટાર્ગેટ ૧ લાખ માસ્કનો હતો. જે પાછળ થી ૪, ૮, ૧૦, ૧૫, ૨૦, ૨૨, અને ૨૫ લાખ ઉપર પહોંચ્યો છે. અમારા ૩૯ સભ્યોના સહયોગ, ટીમવર્ક તેમજ દિવસ રાતની મહેનતના પરિણામે થોડા દિવસોમાં જ કૂલ ૨૫ લાખ માસ્ક વિતરણના લક્ષ્યાંકને પૂરો કરીશું.

નેહલભાઈએ મોટા પાયે થઈ રહેલા માસ્કના ઉત્પાદન વિષે વિગતો આપતાં જણાવ્યું કે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં કાપડની ફેક્ટરી ધરાવતાં સુરતના સેવાભાવી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ પટેલને અમારી સેવાપ્રવૃત્તિની જાણ થતાં તેમણે ગુણવત્તાયુક્ત નોન વુવન ૨૮ જી.એસ.એમ.નું ૨૫,૦૦૦ મીટર મેડિકેટેડ કાપડ વિનામુલ્યે આપ્યું હતું. જેથી અમારો ઉત્સાહ બેવડાતાં મંડળ દ્ધારા યુદ્ધના ધોરણે માસ્ક બનાવવાનુ કામ શરૂ કરાયું હતું. 

           તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાઈરસના પડકારનો સામનો કરી રહેલા તબીબો, નર્સીસ, મેડિકલ સ્ટાફ, પોલીસ જવાનો, દિનરાત સેવા કરતાં સેવાભાવી સંસ્થાઓના કોરોના વોરિયર્સ તરીકેના કાર્યને બિરદાવવાના હેતુસર આજથી કોરોના વોરિયર્સ માસ્ક તેમજ લીનન, ખાદી માસ્ક, ડિઝાઈનર માસ્ક, કોન્સેપ્ટ બેઝ માસ્ક, ચિલ્ડ્રન માસ્ક, આરોગ્ય સેતુ માસ્ક, મોદી માસ્ક જેવા વિવિધ પ્રકારના માસ્ક બનાવીને વિનામૂલ્યે વિતરણ શરૂ કરીએ છીએ. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વોરિયર્સને સન્માન આપવાની ભાવનાને સમર્થન આપવા, તેમજ બાળકો અને વડીલોના આરોગ્ય રક્ષણના ઉદ્દેશ્ય સાથે અમે તા.૨૧ થી ૨૭મી મે સુધી એક સપ્તાહ દરમિયાન રંગબેરંગી માસ્કનું વિતરણ કરાશે.

    મંડળ દ્વારા રોજના ૪૦ થી ૫૦ હજાર માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. માત્ર સુરત શહેરમાં જ નહિ, પણ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અંકલેશ્વર, ભરૂચ, વલસાડ, વારાણસી અને અમેઠી પણ જથ્થાબંધ માસ્ક મોકલવામાં આવ્યા છે. સુરતના દરેક વોર્ડમાં ૨૦ થી ૨૫ હજાર માસ્ક વિનામૂલ્યે શહેરીજનોને આપવામાં આવ્યા છે. સંસ્થાના જિજ્ઞેશભાઈ દુદાણે સહિતના સ્વયંસેવકોના સહકારથી પાલિકા, પોલીસ ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલ, બેંકો, ધર્માદા ટ્રસ્ટ, પેટ્રોલ પમ્પો, સહકારી મંડળીઓ, શાક માર્કેટ્સ, ક્લસ્ટર ઝોનના નાગરિકો માટે, વિવિધ સંસ્થાઓ, રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં માસ્ક વિતરણ કરાયું છે.