Page Views: 7309

સુરત શહેર અને જીલ્લામાં આજે નવા ૨૮ કેસ પોઝીટીવ નોંધાયા

એકનું મોત : આજે ૨૮ લોકો સાથ મળીને કુલ ૮૩૦ લોકો સ્વસ્થ થયા

સુરત-22-05-2020

સુરતમાં કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. જોકે છૂટછાટના સમયમાં કેટલાક લોકો દ્વારા વિવિધ જગ્યા પર ટોળે વળી જઈને તંત્રની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. જયારે શહેરમાં દિવસેને દિવસે વધી રહેલ કેસોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા કમર કસી લઇ સતર્કતા અને સઘન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જયારે શહેરમા આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૬ નવા કોરોના પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જેથી સુરત શહેર કુલ કેસોની સંખ્યા ૧૨૧૨ પર પહોચી છે. સુરત શહેરનો પોઝીટીવીટી રેટ ૬.૩ ટકા નોંધાયો છે. જયારે જીલ્લામાં ૨ કેસ નોંધાયા છે. જે સાથે જીલ્લામાં આજ સુધીના કુલ કેસોની સંખ્યા ૯૨ થઇ છે. જયારે સુરત શહેર અને જીલ્લાના બંનેના કેસો મળીને કુલ કેસોની સંખ્યા ૧૩૦૪ થયા છે.

આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સાથે કુલ મૃત્યુઆંક ૫૬ પર પહોચ્યો છે. સેન્ટ્રલ ઝોનના ગોપીપુરા ખાતે રહેતા ૫૦ વર્ષીય બેતુલા રમજાનઅલી પાસાનું આજેરોજ મૃત્યુ થયું છે. જે ડાયાબીટીસ અને કીડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જયારે આજે ૨૮ લોકો ડીસ્ચાર્જ થયા છે. જે સાથે આજ સુધીમા કુલ ૮૩૦ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સુરતનો રીકવરી રેટ ૬૮.૫ ટકા સુધી પહોચી ગયો છે. તેમજ હાલ સમરસ કોવિદ સેન્ટરમાં ૩૬ લોકો સારવાર લઇ રહ્યા છે. જયારે અલગ અલગ ઝોનમાં આવેલ કવોરંટાઇન સેન્ટરમાં ૫૭૭ લોકો અને હોમ કવોરંટાઈન હેઠળ પાંચ હજારથી વધુ લોકો છે.

આ અંગેની માહિતી આપતા પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે આજે લીંબાયત ઝોનમાં સૌથી વધુ  કેસ નોંધાયા છે. સેન્ટ્રલ ઝોનમાં આજે ૪ કેસ સામે આવ્યા છે. કતારગામ ઝોન, ઉધના ઝોન અને અઠવા ઝોનમાં આજે ૩-૩ કેસો નોંધાયા છે. જયારે વરાછા ઝોન બી અને રાંદેર ઝોનમાં આજે બે-બે કેસ નોંધાયા છે. જયારે વરાછા ઝોન એમાં આજે એક પણ કેસ જોવા મળ્યો નથી.   

કોરોના કેસોનો આંકડો ઝોન વાઈઝ જોઈએ તો લીંબાયત ઝોનમાં આજ સુધીમાં કુલ ૪૬૬ પોઝીટીવ કેસો નોંધાયા છે. ઉધના ઝોનમાં આજ સુધીમાં કુલ ૧૩૩ કેસ નોંધાયા છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૬૬ કેસ નોંધાયા છે. વરાછા ઝોન એમાં આજ સુધીમાં ૧૫૮ કેસ નોંધાયા છે. કતારગામ ઝોનમાં કુલ ૧૫૮ કેસ થયા છે. અઠવા ઝોનમાં ૩૯ કેસ નોંધાયા છે. વરાછા ઝોન બીમાં કુલ ૨૭ કેસ થયા છે. જયારે રાંદેર ઝોનમાં કુલ ૬૨ કેસ નોંધાયા છે.  

સુરતના તમામ વિસ્તારોમાં ૧૭૪૫ જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાંથી અડધાથી વધારે ટીમો ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કામગીરી કરી છે. જયારે અન્ય ટીમો રેડ ઝોનઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં ડોર ટુ ડોર સર્વેલન્સ નું કામ કરી રહી છે. આ સર્વે ટીમ દ્વારા ૧૪ લાખથી વધુ જેટલા લોકોને એપીએક્સ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સર્વેની કામગીરીની સાથે ડીસઇન્ફેકશનની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. અને હોમિયોપેથીક દવાનું પણ સતત વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં આજ સુધીમાં ૧૮ લાખ લોકોને દવાનું વિતરણ કરાયું છે. તેમજ જરૂરીયાતમંદ એવા લોકોને ફૂડ પેકેટનું પણ વિતરણ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.

જયારે વધુમાં પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે કોરોના વાયરસનું સંક્રમણ ડાયાબીટીસ અને હાયપરટેન્શનના લોકોને વધુ જોખમ જણાય છે. જેથી આવા લોકોનો વધારે ખ્યાલ રાખવો જોઈએ. આ લોકોનું સારસંભાળ પરિવાર દ્વારા રાખવામાં આવે. આ લોકો વધુ બહાર ન નીકળે અને તમામ પ્રકારની તકેદારી રાખે. તેમજ આ પ્રકારની બીમારી ધરાવતા લોકો ફેમેલી ડોક્ટરની સલાહ સુચન લેતા રહે તેમજ તેમની દવા સતત લેતા રહે તે પણ જોવું જોઈએ.