Page Views: 18419

રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટોની દુકાનો ખોલવાની છુટ આપવા વેપાર પ્રગતિ સંઘની માંગણી

વેપાર પ્રગતિ સંઘના સંયોજક સંજય જગનાનીએ મુખ્યમંત્રી-કલેકટર અને પાલિકા કમિશનરને પત્ર લખ્યો

સુરત-22-5-2020

લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી સુરત શહેરના રિંગરોડ પર આવેલી 160થી વધારે ટેક્સટાઇલ માર્કેટોની દુકાનો બંધ છે. સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગની ચેઇન ખોરવાઇ ગઇ છે ત્યારે જો રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટોને આંશિક રીતે ખોલવાની છુટ આપવામાં આવે તો જ ટેક્સટાઇલ માર્કેટની સમગ્ર ચેઇન સંપુર્ણરીતે કાર્યરત થઇ શકશે એવો પત્ર વેપાર પ્રગતિ સંઘના સંયોજક સંજય જગનાનીએ મુખ્યમંત્રી, કલેક્ટર અને પાલિકા કમિશનરને લખ્યો છે.

આ પત્રમાં જણાવ્યા પ્રમાણે, જો ટેક્સટાઇલ માર્કેટોને નિયમોને આધિન સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે એ શરતે ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરી અને દર રોજ વેપારીઓને માત્ર છ કલાક જ દુકાનો ખોલવા દેવાની પરવાનગી આપવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગની ગાડી ફરી પાટા પર આવશે. ખાસ કરીને જ્યાં સુધી માર્કેટો નહીં ખુલે ત્યાં સુધી વીવર્સ યાર્નની ખરીદી નહીં કરે, વેપારીઓ ગ્રે કાપડની ખરીદી નહીં કરે તેમજ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ હાઉસો પણ ચાલુ થઇ શકશે નહીં. સમગ્ર દેશના સાડી ડ્રેસ મટીરીયલ્સના છુટક વેપારીઓ પૈકી મોટા ભાગના સુરત ઉપર આધાર રાખીને બેઠા છે ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને ખોલવાની છુટ આપવાની આવશ્યકતા છે.

આ ઉપરાંત સુરતના ટેક્સટાઇલ ટ્રેડર્સની દુકાનો ચાલુ નહીં થાય તો તેઓ જીએસટી રિટર્ન પણ નહીં ભરી શકે જેના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારની રેવન્યુ ઇન્કમ પણ શરૂ થશે નહીં. હાલમાં ટેક્સટાઇલના 60 હજાર વેપારીઓની દુકાનો બંધ છે અને તેના કારણે માર્કેટમાં કામ કરતા બે લાખ કારીગરો પણ બેકાર બન્યા છે. ઉપરાંત સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે અંદાજે 15 લાખ લોકો સંકળાયેલા છે અને તે તમામ વેપાર બંધ હોવાથી પરેશાન છે. આ સંજોગોમાં ચોક્કસ શરતોને આધિન ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખોલવાની છુટ આપવામાં આવે એવી વેપાર પ્રગતિ સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.