Page Views: 17463

કરાંચીમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન તુટી પડતા 150થી વધુના મોત

લાહોરથી કરાંચી આવી રહેલુ પ્લેન લેન્ડ થાય તેના એક મિનીટ પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થઇને રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું

કરાંચી-22-5-2020

લાહોરથી કરાંચી આવી રહેલુ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક પ્લેન કરાંચી એરપોર્ટ પર લેન્ડ થવાની તૈયારીમાં હતું તેની એક મિનીટ પહેલા જ રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 98 મુસાફરો સહિત પાયલોટ અને એરહોસ્ટેસ કોઇને પણ બચવાના ચાન્સ નથી. આ સિવાય રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાને કારણે સ્થાનિક લોકોના જાનમાલની પણ મોટા પ્રમાણમાં નુકસાની થઇ છે.

પ્લેન દુર્ઘટના અંગે પીઆઈએનાં પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, ફ્લાઇટ A-320, 98 મુસાફરોને લઇને જઇ રહી હતી. વિમાન લાહોરથી કરાચી જઇ રહ્યું હતુ અને માલિરમાં મૉડલ કૉલોની પાસે ઝીણા ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

એમ્બ્યુલન્સ અને અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાકિસ્તાની મીડિયાનાં પ્રમાણે વિમાનનાં ઉતરવાની એક મિનિટ પહેલા જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિમાનમાં 98 લોકો હતા. આમાંથી 85 ઇકૉનોમી અને 6 બિઝનેસ ક્લાસમાં સફર કરી રહ્યા હતા. પાકિસ્તાની સેના ક્વિક રિએક્શન ફૉર્સ અને પાકિસ્તાન રેન્જર્સનાં જવાનો દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

રિપોર્ટ પ્રમાણે આ પ્લેનની ઝપટમાં 4-5 મકાનો આવ્યા છે. અનેક ગાડીઓને પણ નુકસાન થયું છે. પ્લેનમાં રહેલા મુસાફરો ઉપરાંત જમીન પર પણ અનેક લોકોનાં મોતની શક્યતા છે. પ્લેન ટકરાતા જ ઘરોમાં આગ લાગી અને ધમાકાઓનો અવાજ સંભળાયો હતો. સમગ્ર વિસ્તારમાં આગને કારણે પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થયાની ધારણા છે.