Page Views: 4793

ઓર્ગેનિક વેજની માંગને પહોંચી વળવાની ક્ષમતા ભારત પાસે છે - મંત્રી પરષોત્તમ રૂપાલા

ચેમ્બર દ્વારા સાંપ્રત પરિસ્થિતિના પડકારો વિશે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે વિચાર વિમર્શ

સુરતઃ-22-5-2020

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે સાંજે પઃ૦૦ કલાકે સાંપ્રત પરિસ્થિતિના પડકારો વિશે વિડીયો કોન્ફરન્સ (વેબીનાર) થકી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેરના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દક્ષિણ ગુજરાતમાં બાગાયત પાકો સારા પ્રમાણમાં થાય છે એવા સંજોગોમાં ઓર્ગેનીક ફાર્મીંગ માટે ખેડૂતો આગળ આવે અને કલસ્ટર બને તે માટે પ્રયાસ કરવા જણાવ્યુ હતુ. તેમણે એગ્રો બેઇઝ્‌ડ સ્ટાર્ટઅપ માટે યુવા ઉદ્યોગ સાહસિકોને આગળ આવવા માટે અનુરોધ કરી ચેમ્બર દ્વારા અમલસાડથી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને ખેતપેદાશ માટે એક બોગીની પણ જરૂરિયાત હશે તો રેલવે વિભાગ સાથે વાત કરીને તેની વ્યવસ્થા કરીશું તેમ જણાવ્યુ હતુ.

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, ચેમ્બર દ્વારા છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્ર સંબંધિત રજૂઆતો કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલા રૂપિયા ર૦ લાખ કરોડના આર્થિક પેકેજ સંદર્ભે નાણાંમંત્રીએ આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત ખેડૂત અને ખેત પેદાશોના વેચાણ અંગે ઘણા મહત્વના સુધારા કર્યા છે. ભારત વિશ્વમાં ફળો અને શાકભાજી ઉત્પાદનમાં ચાઈના પછી બીજા ક્રમે આવે છે. પરંતુ પાકના ઉતારા પછીનો બગાડ પણ ઘણો મોટો ૩૦ ટકા જેટલો છે. જેની કિંમત રૂપિયા એક લાખ કરોડ જેટલી થવા જાય છે. યુ.કે. અને ઓસ્ટ્રેલિયામાં જે કઈ ફળ અને શાકભાજી પાકે તેટલું આપણા દેશમાં બગડી જાય છે. જેથી ખેડૂતને થતા નુકસાનને અટકાવવા માટે વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ મોટાપાયે ચીકુનુ ઉત્પાદન થાય છે અને એના માટે પહેલા અમલસાડથી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવતી હતી. આથી ફળો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માંગ તેમણે કરી હતી. કેરી, ચીકુ અને અન્ય પાકોનો વ્યવસ્થાના અભાવે બગાડ થાય છે. ફુલોના પણ ઘણા ખેતરો છે એને પણ નુકસાન થયુ છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ પાક પહોંચાડી શકાયો ન હોવાથી નુકસાન થયુ છે. સજીવ ખેતી ડેવલપ થઇ રહી છે. આથી ઓર્ગેનીક કલ્ચર ડેવલપ કરવા માટે સગવડ ઉભી કરવા માટે વિનંતી કરી હતી. તેમણે એગ્રીકલ્ચર માટે ભવિષ્યમાં શું તકો રહેલી છે તેમજ સરકારની તૈયારીઓ વિશે માર્ગદર્શન આપવા મંત્રીને અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, એપીએમસી માર્કેટમાંથી લાયસન્સ પ્રથા રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આનો તાત્કાલિક અમલ થશે તો દલાલી પ્રથા નાબૂદ થશે અને ખેડૂતોને પાકના ભાવનુ વળતર ખૂબ સારુ મળશે.

સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યુ હતુ કે દુધ, શાકભાજી અને ફળફળાદી માટે એપીએમસી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, સરકારના પેકેજમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કઇ રીતે લાભ મળી શકે છે તે માટે માર્ગદર્શન આપવા તેમણે મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો. સાંસદ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, અમલસાડથી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે પશ્ચિમ રેલવેના ડીઆરએમને વાત કરી હતી અને તેઓએ સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે સકારાત્મક અભિગમ પણ દાખવ્યો હતો. પરંતુ લોકડાઉનને કારણે તે આ વર્ષે શકય થઇ શકયુ નથી પરંતુ આવતા વર્ષે આ અંગે ચોકકસ પણ નિર્ણાયક કામગીરી કરવામાં આવશે.

મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, અમલસાડથી ચીકુ માટે પહેલા જે સ્પેશિયલ ટ્રેન દોડતી હતી તેની અત્યારે આવશ્કયતા અને જરૂરિયાત હોય તો ચેમ્બરને રજૂઆત કરવા માટે જણાવ્યુ હતુ. આ અંગે સ્પેશિયલ ટ્રેન દોડાવવા કિસાન રથ ચલાવવાની જાહેરાત કરી શકાય તેમ છે. સરકાર દ્વારા કિસાન રથ એપ બનાવવામાં આવી છે. સરકાર દ્વારા એગ્રીકલ્ચર ટ્રાન્સપોર્ટેશનની દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સરકારે લોકડાઉનમાં રૂપિયા ૧૮ હજાર કરોડ ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરાવ્યા છે. ખેડૂતોના તૈયાર થયેલા માલના વેચાણ માટે પ્રયાસ કરવામાં આવ્યા છે અને ખેડૂતોની મોટાભાગની માંગણીઓને મંજૂર કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશભરમાં ૯ કરોડથી વધુ ખેડૂતો કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવે છે. પરંતુ તેની જગ્યાએ માત્ર ૬ કરોડ ૩૦ લાખ ખેડૂતો પાક માટે ધિરાણ લેતા હતા. એટલે ખેડૂતોને લોનનો લાભ મળે તે માટે ફેબ્રુઆરી મહિનામાં જ સરકાર દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં ૭પ લાખ ખેડૂતોની અરજીઓ લેવામાં આવી અને રર લાખ ખેડૂતોની લોન મંજૂર પણ કરવામાં આવી હતી. કોરોનાને કારણે વિશ્વભરમાં હવે વેજ અને નોનવેજને બદલે લોકો માત્ર ઓર્ગેનીક વેજની માંગણી કરતા થઇ ગયા છે. ઓર્ગેનીક વેજની માંગને પહોંચી વળવા માટેની ક્ષમતાને પૂર્ણ કરવાની ક્ષમતા એકમાત્ર ભારત પાસે છે. ખેડૂતોને યોગ્ય કિંમત મળે અને લોકોને પણ તાજા ફળફળાદી અને શાકભાજી મળી જાય તે માટે યોગ્ય સંતુલન કરીને વ્યવસ્થા ઉભી કરવી પડશે. માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ઉભી કરવા માટે ચેમ્બરે પણ માઇક્રો પ્લાનિંગ કરીને મિકેનિઝમ ડેવલપ કરવા માટે પ્રયાસ કરવો જોઇએ તેઓ અનુરોધ તેમણે કર્યો હતો.

તેમણે વધુમાં કહયુ કે, આગામી દિવસો હવે ખેતીવાડીના આવી રહયાં છે. કોઇપણ પ્રકારની ફેકટરી અને ઉદ્યોગને રોકી શકાશે પણ ખેતીવાડીને રોકી નહીં શકાશે. તેમણે એસસી–એસટી ખેડૂતોની જેમ મહિલાઓને પણ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ભારત દેશ દવાઓની નિકાસ કરે છે. આખી દુનિયાની ચિંતા કરે છે અને વસુદેવ કુટુંબની ભાવના રાખીને મજબુતાઇથી આગળ વધે છે. કોઇને ખબર ન પડે તે રીતે લોકોને મદદ કરવા માટે તેમણે અનુરોધ કરી પરિવાર તથા સમાજના રક્ષણ માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનુ પાલન કરવા બધાને હાંકલ કરી હતી.ચેમ્બરના માનદ્‌ મંત્રી ધીરેન થરનારીએ સમગ્ર વેબીનારનું સંચાલન કર્યુ હતુ. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ  દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માની વેબીનારનું સમાપન કર્યુ હતુ.

0
 Advanced issue found