Page Views: 2241

૧ જુનથી ૨૦૦ નોન એસી ટ્રેનો દોડશે : ઓનલાઈન બુકિંગ શરુ થતા લોકોનો અકલ્પનીય ઘસારો

એક કલાકમાં દોઢ લાખ લોકોએ ટીકીટ બુકિંગ કર્યું : ૨૦૦માંથી ૧૦ ટ્રેન ગુજરાતને ફાળવાઈ

અમદાવાદ-21-05-2020

કોરોના સાથે લાગેલા લોકડાઉનમાં રેલ્વે મંત્રાલય દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈને  પેસેન્જર ટ્રેનને દોડાવવાનું બંધ કર્યું હતું. જોકે તે બાદ જરૂરીયાત મુજબ શ્રમિકો માટે ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ હવે ૧ જુનથી નોન એસી ૨૦૦ જેટલી ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તેના માટેનું ઓનલાઈન બુકિંગ આજેથી શરૂ થઈ ગયું છે. બુકિંગ શરુ થતાની સાથે ટીકીટ બુકિંગ માટે લોકોનો ભારે ઘસારો રહ્યો હતો.

આ ૨૦૦ ટ્રેન માટે આજે સવારે ૧૦ વાગ્યાથી બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું. જેમાં મહત્તમ ૩૦ દિવસનું એડવાન્સ બુકિંગ થઈ શકશે અને ઓનલાઈન જ બુકિંગ થઈ શકશે. માત્ર એટલું જ નહીં જેટલી સીટ હશે એટલી જ ટીકિટ ઈસ્યૂ કરવામાં આવશે. જયારે ટીકીટ બુકિંગ શરુ થતાની સાથે જ ટ્રેનો માટેની સીટો ફૂલ થઇ ગઈ હતી. અંદાજે એક કલાકમાં દોઢ લાખ જેટલી ટીકીટો બુકીગ થઇ હતી. જેમાં લગભગ અડધો કલાકમાં દિલ્હીથી ૨૨ હજાર, ચેન્નાઈથી ૧૨ હજાર અને મુંબઈથી ૨૫ હજાર જેટલી ટીકીટો બુક થઇ ગઈ હતી. આ ૨૦૦ ટ્રેન માંથી ૧૦ ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી છે. જેમાંની મોટાભાગની ટ્રેનો અમદાવાદની છે. જયારે જે તે સ્થળે પહોંચ્યા બાદ પ્રવાસીઓને તમામ નિયમોનું પાલન કરવુ પડશે.