Page Views: 30653

વીજ કંપની દ્વારા 31 ડિસેમ્બર સુધી મિનીમમ ચાર્જમાંથી ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવે એવી ઉદ્યોગકારોની માંગણી

છેલ્લા બે માસથી વેપાર ધંધા બંધ છે ત્યારે વીજ કંપનીઓ દ્વારા એચ.ટી. અને એલ ટી વીજ ગ્રાહકોને રાહત આપે તે આવશ્યક હોવાનું જણાવી પાંડેસરા વીવર્સ એસો. દ્વારા મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને પત્ર દ્વારા રજૂઆત

સુરત-21-5-2020

પાંડેસરા વીવર્સ એસોસીએશનના પ્રમુખ આશીષ ગુજરાતી સહિત સચિન જીઆઇડીસીના સચિન ઇન્ડસ્ટ્રીલ કો.ઓ.સોસાયટીના માજી સેક્રેટરી મયુર ગોળવાળા વિગેરે અગ્રણીઓએ રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજ્યમાં એલ ટી અને એચ ટી કનેકશન ધરાવતા વેપાર, ઉદ્યોગ કે દુકાનદારોને વીજ બિલમાં મિનીમમ ચાર્જ એટલે કે ડિમાન્ડ ફિક્સ ચાર્જમાંથી આગામી તારીખ 31મી ડિસેમ્બર સુધી મુક્તિ આપવામાં આવે તે આવશ્યક છે. ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા ગત તા.11.5.2020ના રોજ નોટિફિકેશન બહાર પાડી અને નાના તેમજ મધ્યમ વેપાર-દુકાન-ઉદ્યોગોને વધુ આર્થિક રાહત આપવાના આશયથી લોક ડાઉન દરમ્યાન બંધ રહેલ હોય  ચાલુ રહેલા હોય એવા રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓના તમામ એલ ટી વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો પાસેથી એપ્રિલ માસના વીજ બિલમાં મિનીમમ ચાર્જ એટલે કે ડિમાન્ડ ફિક્સ ચાર્જની ભરપાઇ કરવામાંથી મુક્તિ આપી ફક્ત ગ્રાહકોએ કરેલા વીજ વપરાશ પ્રમાણે જ બિલ આપવાના રહેશે. જે એચ ટી વીજ ગ્રાહકે એપ્રિલ માસમાં લોક ડાઉન અગાઉના ત્રણ માસમાં કરેલા સરેરાશ વીજ વપરાશ કરતા 50 ટકા કરતા ઓછો વીજ વપરાશ કરેલો હશે તેવા વીજ ગ્રાહકોને એપ્રિલ માસના બિલમાં મિનીમમ ચાર્જ ભરપાઇ કરવામાંથી મુક્તિ આપવામાં આવશે. અને ફક્ત કરેલા વીજ વપરાશનું જ વીજ બિલ આકરવાનું રહેશે. આમ એલ ટી અને એચ ટીમાં રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી. ફક્ત એપ્રિલ માસ માટે આપેલ રાહત આવકાર્ય છે અને વેપાર ઉદ્યોગ હાલમાં સંપુર્ણપણે કાર્યરત થયા નથી અને મે મહિનાના પ્રારંભથી જ હજારો કામદારો યુપી, ઓરિસ્સા અને મધ્ય પ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યોમાં પોતાના વતન તરફ રવાના થયા છે. આ કારણોસર વેપાર ઉદ્યોગો પુરી ક્ષમતાથી ચાલી શકવાના નથી જેથી મની રોટેશન બેઝ ધંધો રહે એવી શક્યતા પણ નહીવત છે આવા સંજોગોમાં એચ ટી અને એલ ટી વીજ ગ્રાહકોને ડિમાન્ડ એન્ડ ફિક્સ ચાર્જમાંથી આગામી ડિસેમ્બર માસ સુધી મુક્તિ આપવામાં આવે અને ફક્ત વીજ વપરાશનું જ બિલ આપવામાં આવે અન્યથા વીજ ગ્રાહકોને કરોડો રૂપિયા ભરવામાંથી રાહત મળશે અને વેપાર ધંધા ટકી રહેશે. હવે જોવાનું એ રહે છે કે, રાજ્ય સરકાર આ મામલે શું નિર્ણય લે છે.

હાલમાં ડીજીવીસીએલ દ્વારા એલ ટી અને એચ ટી ગ્રાહકોના મે માસના વીજ મીટર રિડીંગનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે તો મે માસના બિલમાં પણ કુદરતી ન્યાયની દ્રષ્ટિએ મિનીમમ ચાર્જ નહીં લગાવવામાં આવે એ આવશ્યક છે. કારણ કે હજુ સુધી સુરત શહેર સહિત તમામ સ્થળો પર વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ થયા નથી.