Page Views: 5037

સુરત શહેરમાં નવા ૩૩ પોઝીટીવ કેસ : કુલ ૧૧૮૬માંથી ૮૦૨ લોકો સાજા થયા

નવી સિવિલમાં સારવાર લઇ રહેલ કોરોના દર્દીઓમાં ૪૪ની હાલત ગંભીર

સુરત-21-05-2020

સુરત સહીત રાજ્યભરમાં દિવસેને દિવસે કેસોમાં વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા રાખવામાં આવતી સતર્કતા અને સઘન ટેસ્ટીંગની કામગીરી કરવાને કારણે કેસો સામે આવી રહ્યા છે. જયારે શહેરમા આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩૩ નવા કોરોના પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જેથી સુરત શહેર કુલ કેસોની સંખ્યા ૧૧૮૬ પર પહોચી છે. સુરત શહેરનો પોઝીટીવીટી રેટ ૬.૩ ટકા નોંધાયો છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં જે કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૪૪ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧- વેન્ટિલેટર, ૧૮- બીપેપ અને ૨૫ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સાથે કુલ મૃત્યુઆંક ૫૫ પર પહોચ્યો છે. સેન્ટ્રલ ઝોનના સગરામપુરા સ્થિત ઉમરવાડા ખાતે રહેતા ૪૩ વર્ષીય વહીદાબેન રઝાક શેખનું આજેરોજ મૃત્યુ થયું છે. જયારે આજે ૨૬ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં સમરસ સેન્ટર ખાતેથી ૧૭ અને સિવિલ ખાતેથી ૯ લોકોને ડીસ્ચાર્જ થયા છે. જે સાથે આજ સુધીમા કુલ ૮૦૨ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સુરતનો રીકવરી રેટ ૬૭.૬ ટકા સુધી પહોચી ગયો છે. તેમજ હાલ સમરસ કોવિદ સેન્ટરમાં ૪૭ લોકો સારવાર લઇ રહ્યા છે. જયારે અલગ અલગ ઝોનમાં આવેલ કવોરંટાઇન સેન્ટરમાં ૫૬૮ લોકો અને હોમ કવોરંટાઈન હેઠળ પાંચ હજારથી વધુ લોકો છે.

આ અંગેની માહિતી આપતા પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે આજે લીંબાયત ઝોનમાં સૌથી વધુ ૨૦ કેસ નોંધાયા છે. સેન્ટ્રલ ઝોનમાં આજે ૩ કેસ સામે આવ્યા છે. વરાછા એ ઝોનમાં આજે છ કેસ નોંધાયા છે. તો અઠવા, ઉધના, વરાછા બી અને રાંદેર ઝોનમાં આજે ૧-૧ કેસ નોંધાયા છે. જયારે કતારગામ ઝોનમાં આજે એક પણ કેસ જોવા મળ્યો નથી.   

કોરોના કેસોનો આંકડો ઝોન વાઈઝ જોઈએ તો લીંબાયત ઝોનમાં આજ સુધીમાં કુલ ૪૫૭ પોઝીટીવ કેસો નોંધાયા છે. ઉધના ઝોનમાં આજ સુધીમાં કુલ ૧૩૦ કેસ નોંધાયા છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૬૨ કેસ નોંધાયા છે. વરાછા ઝોન એમાં આજ સુધીમાં ૧૫૮ કેસ નોંધાયા છે. કતારગામ ઝોનમાં કુલ ૧૫૫ કેસ થયા છે. અઠવા ઝોનમાં ૩૬ કેસ નોંધાયા છે. વરાછા ઝોન બીમાં કુલ ૨૫ કેસ થયા છે. જયારે રાંદેર ઝોનમાં કુલ ૬૩ કેસ નોંધાયા છે.  

સુરતના તમામ વિસ્તારોમાં ૧૭૯૦ જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાંથી અડધાથી વધારે ટીમો ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કામગીરી કરી છે. જયારે અન્ય ટીમો રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં ડોર ટુ ડોર સર્વેલન્સ નું કામ કરી રહી છે.આ સર્વે ટીમ દ્વારા ૧૪ લાખથી વધુ જેટલા લોકોને એપીએક્સ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સર્વેની કામગીરીની સાથે ડીસઇન્ફેકશનની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. અને હોમિયોપેથીક દવાનું પણ સતત વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં આજ સુધીમાં ૧૮ લાખ લોકોને દવાનું વિતરણ કરાયું છે. તેમજ જરૂરીયાતમંદ એવા લોકોને ફૂડ પેકેટનું પણ વિતરણ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.