Page Views: 2194

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂતો પર તીડના ટોળાની નવી આફત

સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી સહિતના પંથકના ખેતરોમાં તીડ દેખાયા

અમરેલી-21-5-2020

એક તરફ સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર  મોટી આફત આવી છે. આ આફત કોઈ નવી નથી, પરંતુ તે તીડના રૂપમાં આવી છે.સરહદી વિસ્તારોમાં તીડનો આતંક બાદ હવે પહેલી વાર સૌરાષ્ટ્રમાં પણ તીડના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. અનેક વિસ્તારોમાં તીડનું આક્રમણ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ઉનાળું પાક લેવાનો સમય આવ્યો છે ત્યારે આ પ્રકારે તીડના આક્રમણથી ખેડૂતો પાયમાલ થઇ જાય એવી દહેશત છે.

વઢવાણ તાલુકાના શિયાણી ગામનાં ખેતરોમાં અચાનક તીડના ટોળેટોળા દેખાતા દોડધામ મચી ગઇ છે.ભાવનગરના વલ્લભીપુરમાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. ભાવનગરના ધરાઈ ગામ, નસીતપુરના વાડીમાં તીડના ઝૂંડ પ્રવેશ્યા છે. ભાવનગરમાં પ્રવેશેલા તીડ સુરેન્દ્રનગર બાજુથી આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.અચાનક તીડ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાત્રીના સમયે અચાનક આવેલ તીડના ઝૂંડને લીધે પાકને ભારે નુકશાન થયું છે. હાલ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.સુરેન્દ્રનગર પાસે આવેલ લીંબડી અને ધ્રાંગધ્રામાં પણ તીડનો ખતરો જોવા મળી રહ્યો છે. લીંબડીના શિયાણી, ખજેલી ગામમાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. આ સિવાય કંકાવટી સહિતના ગામોમાં તીડે પ્રવેશ કરીને ઉભા પાકને બગડવાનું ચાલું કરી દીધું છે. જેથી ધ્રાંગધ્રાના રણકાંઠાના ગામના ખેડૂતોમા ચિતા વ્યાપી ગઈ છે. તીડને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન જવાની દહેશત સેવાઈ રહી છે. તીડના મુદ્દે ખેડૂતોએ આ અંગે ખેતીવાડી વિભાગને જાણ કરી છે. કોરોના મહામારી બાદ હવે તીડના આક્રમણથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

મોરબીના હળવદમાં પણ તીડ દેખાતા તંત્ર દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રણકાંઠા વિસ્તારમાં દવાનો છંટકાવ ચાલી રહ્યો છે. માલણીયાદ અને ઈશનપુરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ફાયરની ટીમ દ્વારા તીડ સામે દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે. રણકાંઠાના ગામના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તીડ મુદ્દે ખેડૂતોની ફરિયાદ બાદ ગત મોડી સાંજથી તંત્ર હાજરપગે છે. ઘટના સ્થળે જિલ્લા ખેતીવાડી અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો પહોંચી ગયો છે. મોરબીના હળવદમાં ચંદ્રગઢ, રણમલપુર, કવાડીયા ,ધણાંદ ગામોમાં તીડ દેખાયા છે.