Page Views: 2923

પાલિકાના આરોગ્ય વિભાગે બે દિવસમાં 7200 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો

બે મહિનાથી બંધ દુકાનોમાં બગડેલો મોવો, મીઠાઇઓ અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી હાથ લાગી

સુરત-21-5-2020

કોરોનાના કહેરના કારણે છેલ્લા બે મહિનાથી લોક ડાઉન હોવાથી સમગ્ર શહેરમાં તમામ દુકાનો બંધ હતી. આ સમય દરમ્યાન વેપારીઓને તાળા ખોલવાની પણ પરમીશન ન હોવાથી તેમની દુકાનોમાં રહેલો ઢગલાબંધ સર સામાન બગડી ગયો છે અથવા તો એ ખાદ્ય સામગ્રીની એક્સપાયરી ડેટ જતી રહી છે. આવા સંજોગોમાં છેલ્લા બે દિવસથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઓપરેશન હેલ્થ કેર શરૂ કરવામાં આવ્યુ છે અને નોન કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં જે દૂધ, મીઠાઇ કે ફરસાણની દુકાનો ખુલી છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને ગત રોજ દિવસ દરમ્યાન આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા અંદાજે સાત હજાર કિલો જેટલા જથ્થામાં માવા, મીઠાઇ સહિત એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આજે પણ આરોગ્ય વિભાગની ટીમોએ દિવસ દરમ્યાન કુલ 200 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, શહેરના કોઇ પણ દુકાનદાર દ્વારા લોકોનું જાહેર આરોગ્ય જોખમાય એ પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેંચાણ કરવું નહીં. જો આ પ્રકારે કોઇ વેંચાણ કરતા ઝડપાશે તો તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શહેરીજનોને પણ થોડા દિવસ સુધી માવા કે મીઠાઇઓની ખરીદી ન કરવા માટે જાણ કરવામાં આવી છે. તેમજ જે કોઇ પેક સામાન ખરીદો તો તેમાં એક્સપાયરી ડેટ જોઇને પછી જ ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.