Page Views: 159323

બેન્કોમાંથી આવતી કાલથી મળશે આત્મનિર્ભર ગુજરાતના લોન ફોર્મ

નાના વેપારીઓ અને રત્ન કલાકારોને રૂ.50 હજારથી એક લાખ સુધીની લોન મળશે-રાજ્ય સરકારે રૂ.5 હજાર કરોડની ફાળવણી કરી

ગાંધીનગર-20-5-2020

સતત બે મહિનાના લોક ડાઉનને કારણે રાજ્યમાં નાના અને મધ્યમ વેપારીઓની હાલત કફોડી થઇ ગઇ છે. ઉપરાંત હીરા ઉદ્યોગ પણ બંધ હોવાથી રત્ન કલાકારો અને અન્ય વ્યવસાયીઓની આર્થિક સંકડામણ પણ વધી છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટેના ફોર્મનું વિતરણ આવતી કાલે તારીખ 21મી મે ના રોજથી શરૂ કરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા સીએમઓ સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગુજરાત લોન યોજના મહત્વપુર્ણ પ્રોજેક્ટ છે અને તેમાં નાના તેમજ મધ્યમ કદના વેપારીઓને બેન્કો મારફત રૂપિયા એક લાખ સુધીની લોન આપવામાં આવશે. આ લોનના પ્રથમ છ મહિના સુધી વેપારીઓએ કોઇ હપ્તા ભરવાના નથી ત્યાર બાદ 30 સરખા હપ્તામાં લોન માત્ર બે ટકા વ્યાજ સાથે આ લોન પરત કરવાની રહેશે. આ લોનમાં રાજ્ય સરકાર દ્વારા 6 ટકા વ્યાજ સબસીડી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તેના માટે અલગથી રૂપિયા પાંચ હજાર કરોડનું ફંડ ફાળવ્યુ છે. નાના અને મધ્યમ કદના વેપારીઓ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત લોન રત્ન કલાકારો, હેર કટીંગ સલુન ચલાવનારા સહિત અન્ય નાના મોટા ધંધાર્થીઓને પણ આપવામાં આવશે. રત્ન કલાકારોને રૂપિયા 50 હજાર સુધીની લોન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

()()()વરાછા બેન્કની તમામ 23 શાખા પરથી ફોર્મ મળશે

શહેરની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું છે કે, આત્મનિર્ભર ગુજરાત લોન માટેના ફોર્મ વરાછા કો-ઓપરેટીવ બેન્કની મેઇન ઓફીસ ઉપરાંત સમગ્ર શહેરમાં આવેલી તમામ 23 બ્રાન્ચમાંથી ગ્રાહકોને મળશે. તેના માટેની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમ બને તેમ ઝડપથી આ લોનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તમામ લોકોને તેનો લાભ મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે. શહેરની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્ક આમ પણ તેનું સામાજીક ઉત્તર દાયિત્વ નિભાવવામાં હંમેશા અગ્રેસર હોય છે ત્યારે રાજ્ય સરકારના આ પ્રકારના નિર્ણયને આવકારવા સાથે લોક ઉપયોગી કાર્ય થાય તે દિશામાં ઝડપથી કાર્યવાહી કરશે.