Page Views: 5794

સુરતમાં નવા ૩૫ને કોરોના પોઝીટીવ : ૨૯ લોકોએ કોરોનાને માત આપી

કુલ કેસોની સંખ્યા ૧૧૫૩માંથી ૭૭૬ લોકો સ્વસ્થ થયા

સુરત-20-05-2020

સુરત સહીત રાજ્યભરમાં દિવસેને દિવસે કેસોમાં વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા રાખવામાં આવતી સતર્કતા અને સઘન ટેસ્ટીંગની કામગીરી કરવાને કારણે કેસો સામે આવી રહ્યા છે. જયારે શહેરમા આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જેથી સુરત શહેર કુલ કેસોની સંખ્યા ૧૧૫૩ પર પહોચી છે. સુરત શહેરનો પોઝીટીવીટી રેટ ૬.૨ ટકા નોંધાયો છે.

આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સાથે કુલ મૃત્યુઆંક ૫૪ પર પહોચ્યો છે. લીંબાયતના ડુંભાલના ૩૮ વર્ષીય બાનુબેન હફૂઝ પઠાણનું આજેરોજ મૃત્યુ થયું છે. જે ડાયાબીટીસના રોગથી પીડાતા હતા. જયારે આજે ૨૯ લોકો ડીસ્ચાર્જ થયા છે. જે સાથે આજ સુધીમા કુલ ૭૭૬ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સુરતનો રીકવરી રેટ ૬૭.૩ ટકા સુધી પહોચી ગયો છે. તેમજ હાલ સમરસ કોવિદ સેન્ટરમાં ૫૩ લોકો સારવાર લઇ રહ્યા છે. જયારે અલગ અલગ ઝોનમાં આવેલ કવોરંટાઇન સેન્ટરમાં ૫૬૮ લોકો અને હોમ કવોરંટાઈન હેઠળ પાંચ હજારથી વધુ લોકો છે.

આ અંગેની માહિતી આપતા પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે આજે લીંબાયત ઝોનમાં સૌથી વધુ ૧૬ કેસ નોંધાયા છે. ઉધના ઝોનમાં આજે ૫ કેસ સામે આવ્યા છે. વરાછા એ ઝોનમાં આજે ચાર કેસ નોંધાયા છે. તો અઠવા, કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં આજે ૩-૩ કેસ નોંધાયા છે. જયારે વરાછા ઝોન બીમાં આજે ૧ કેસો નોંધાયો છે. જયારે રાંદેર ઝોનમાં આજે એક પણ કેસ જોવા મળ્યો નથી.   

કોરોના કેસોનો આંકડો ઝોન વાઈઝ જોઈએ તો લીંબાયત ઝોનમાં આજ સુધીમાં કુલ ૪૩૭ પોઝીટીવ કેસો નોંધાયા છે. ઉધના ઝોનમાં આજ સુધીમાં કુલ ૧૨૯ કેસ નોંધાયા છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૫૯ કેસ નોંધાયા છે. વરાછા ઝોન એમાં આજ સુધીમાં ૧૫૨ કેસ નોંધાયા છે. કતારગામ ઝોનમાં કુલ ૧૫૫ કેસ થયા છે. અઠવા ઝોનમાં ૩૫ કેસ નોંધાયા છે. વરાછા ઝોન બીમાં કુલ ૨૪ કેસ થયા છે. જયારે રાંદેર ઝોનમાં કુલ ૬૨ કેસ નોંધાયા છે.  

સુરતના તમામ વિસ્તારોમાં ૧૭૭૫ જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાંથી અડધાથી વધારે ટીમો ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કામગીરી કરી છે. જયારે અન્ય ટીમો રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં ડોર ટુ ડોર સર્વેલન્સ નું કામ કરી રહી છે.આ સર્વે ટીમ દ્વારા ૧૪ લાખથી વધુ જેટલા લોકોને એપીએક્સ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સર્વેની કામગીરીની સાથે ડીસઇન્ફેકશનની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. તેમજ જરૂરીયાતમંદ એવા લોકોને ફૂડ પેકેટનું પણ વિતરણ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.