Page Views: 18313

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયા કિનારે અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું

સિક્કીમ અને મેઘાલયમાં એલર્ટ- વાવાઝોડું ભયંકર વિનાશ વેરશે

કોલકોતા-20-5-2020

સમગ્ર દેશ એક તરફ કોરોના સામે ઝઝુમી રહ્યો છે ત્યારે કુદરતે દરિયામાંથી બીજી આફત મોકલી છે. અમ્ફાન નામનું ભયંકર વાવાઝોડું  પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે. આ 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. આ પહેલા 1999માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે આ પ્રકારનું વિનાશક વાવાઝોડું અથડાયું હતું.પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ  આપ્યું છે.  સાથે આગાહી કરી છે કે 185 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. કોલકતા એરપોર્ટ આવતીકાલ સવારના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે. ઓરિસ્સાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. એક તરફ તોફાની પવન અને બીજી તરફ ધોધમાર વરસાદને કારણે ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જયદીપ ધંખરે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચનાનું પાલન કરવાની અપીલ કરી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભૂવનેશ્વર-નવી દિલ્હી સ્પેશિયલ એસી ટ્રેનના રૂટને ડાયવર્ટ કરાયો છે.

બાંગ્લાદેશમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરકારે સાયક્લોનની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીને મોકલી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે.  બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.તોફાન મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 1 વચ્ચે 14 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બન્ને રાજ્યોને કેન્દ્રની મદદનું આશ્વાસન આપ્યું છે. વાવાઝોડાને કારણે જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તેના માટે તંત્ર દ્વારા અનેક પગલા ભરવામાં આવ્યા છે તેમ છતાં અમ્ફાન વાવાઝોડાની તિવ્રતા એટલીબધી છે કે, તે જ્યાંથી પસાર થશે ત્યાં વિનાશ વેરશે. મઘરાત સુધીમાં આ વાવાઝોડું હજુ ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં તબાહી મચાવશે એવુ માનવામાં આવી રહ્યું છે.