Page Views: 7139

રાજ્યમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન વધતા સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરવા નિર્ણયઃ- આરોગ્ય સચિવ

રાજ્યમાં કુલ 179 પૈકી 114 કોરોનાના કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે નોંધાયા

ગાંધીનગર-8-4-2020

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં લોકલ ટ્રાન્સમિશનને કારણે સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતા જનક બાબત હોવાનું જણાવીને રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યના 17 જિલ્લામાંથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે અને તેમાં સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, હાલમાં જે કેસો સામે આવી રહ્યા છે તે મોટા ભાગના કેસમાં લોકલ ટ્રાન્સમિશનની હિસ્ટ્રી જોવા મળી રહી છે. આજે સવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 179 કોરોનાના કેસ નોંધાયા છે અને તે પૈકી 114 જેટલા કેસમાં દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા જે તે વિસ્તારોને કન્ટન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવશે અ તેમાં કેન્દ્ર સરકારની જે ગાઇડ લાઇન છે તેનો કડક અમલ કરવામાં આવશે. લોકોને ફરજીયાતપણે હોમ ક્વોરોન્ટીન કરવામાં આવશે અને તેનો ભંગ કરનારા સામે પગલા ભરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, કોરોનાના કેસમાં જે પ્રકારે વધારો થયો છે અને લોકલ ટ્રાન્સમિશનના કેસ સામે આવી રહ્યા છે તેમાં જો લોકો દ્વારા તકેદારી રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ ભયજનક બની શકવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આજે સવારે રાજ્યમાં કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે જેમાં ભાવનગરમાં બે અને વડોદરા તેમજ સુરતમાં એક એક દર્દીનો સમાવેશ થાય છે.