Page Views: 11389

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત- વધુ 19 નવા કેસ નોંધાયા

કોરોનાના 100 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા હોવાથી સ્થિતિ ચિંતાજનક

અમદાવાદ-7-4-2020
રાજ્યમાં કોરોના પોઝીટીવના કેસમાં દિન પ્રતિ દિન વધારો થઇ રહ્યો છે. વિતેલા ચોવિસ કલાકમાં સમગ્ર રાજ્યમાં નવા 19 કેસ નોંધાયા છે અને તેના કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 165 ઉપર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય સચિવે આ અંગે જણાવ્યું હતું કે, જે પ્રકારે રાજ્યના કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેના કારણે પરિસ્થિતિ ભયંકર બની રહી છે. ખાસ કરીને કોરોનાના જે કેસ નોંધાયા છે તે પૈકી 100 જેટલા કોરોનાના કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે સામે આવ્યા છે જે ચિંતા જનક બાબત છે. રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાકમાં જે 19 કેસ નોંધાયા છે તે પૈકી માત્ર અમદાવાદમાંથી જ 13 કેસ મળ્યા છે જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ, હિંમતનગરમાં એક-એક કેસ સામે આવ્યા છે. છેલ્લા ચોવિસ કલાક દરમ્યાન રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી જે રાહતના સમાચાર છે પરંતુ કોરોનાના કેસમાં જે પ્રકારે વધારો થઇ રહ્યો છે એ જોતા આગામી દિવસોમાં વધારે કપરી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના પણ હાલના તબક્કે નકારી શકાય તેમ નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3040 દર્દીના કોરોના ટેસ્ટ થયા છે અને તે પૈકી 40ના ટેસ્ટ પેન્ડીંગ છે 4 દર્દી વેન્ટીલેટર પર છે અ 23 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 3 યુવકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતા. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ 5 પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.