Page Views: 7317

શહેરમાં હોમ કવોરંટાઇનનો ભંગ કરનાર ત્રણ દંડાયા : હાલ સુધીમાં ૧૯૨૫ લોકોએ સેલ્ફ ડીકલેરેશન કર્યું

૪૨૫ ટીમ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કામગીરી : સુરત મનપા સતત ખડેપગે

સુરત-04-04-2020

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ત્રણ ટી એટલે કે ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. જયારે વિદેશ કે અન્ય સંક્રમિત રાજ્યોની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને પાલિકા દ્વારા હોમ કવોરંટાઇન કરવામાં આવ્યા છે. આ હોમ કવોરંટાઇન કરવામાં આવેલા લોકો કોરોના વાઈરસને ગંભીરતાથી ન લેતા હોય તેવું લાગી રહ્યું છે.

આજે ત્રણ શખ્સો કે જેઓને પાલિકા દ્વારા હોમ કવોરંટાઇન કરવામાં આવ્યા છે. તેઓને હોમ કવોરંટાઇન ભંગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. અઠવા વિસ્તારમાં પાલિકા દ્વારા હોમ કવોરંટાઇન ભંગ કરનાર બે વ્યક્તિઓને રૂપિયા ૨૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. જયારે રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિને ૫ હજાર નો દંડ કરવામાં આવ્યો છે. જે અંગેની માહિતી મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ આપી હતી.

આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના ૪૩૨૦ જેટલા લોકોએ એસએમસીની કોરોના એપ્લીકેશન ડાઉનલોડ કરી છે. તેમજ લોકોની જાગૃતિ અને પ્રમાણિકતાને બિરદાવતા કમિશનરે કહ્યું હતું કે હાલ સુધીમાં ૧૯૨૫ જેટલા લોકોએ સેલ્ફ ડીકલેરેશન કર્યું છે. જે લગભગ દેશભરના શહેરોમાંથી સુરતમાં સૌથી વધુ સેલ્ફ ડીકલેરેશનનો આંક શકાય તેમ છે.

જયારે ડોર ટુ ડોર કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મનપાની ૪૨૫ જેટલી ટીમો દ્વારા ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જરૂર જણાશે તો રાંદેર તેમજ પાંડેસરા જેવા વિસ્તારમાં ફરી એકવાર આ કામગીરી કરવામાં આવશે. તેમજ શહેરના ૨૬૮૪ જેટલા સ્થળોને આજે ડીસ ઇન્ફેકશન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ૧૮૭ કોરોના સંક્રમિત છે. જે પૈકી ૧૭૧ નેગેટીવ રીપોર્ટ નોંધાયા છે. જયારે ૧૧ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આજે એક વેસુની મહિલાનો રીપોર્ટ પોઝીટીવ નોંધાયો છે. હાલ શહેરમાં ૧૮૧૩ વ્યક્તિઓ કવોરંટાઇન છે.