Page Views: 8382

રાજકોટની જ્યોતિ સીએનસીએ માત્ર ૧૦ દિવસમાં સ્વદેશી વેન્ટીલેટર તૈયાર કર્યું

આગામી ૧૦ દિવસમાં કંપની ૧ હજાર વેન્ટીલેટર ગુજરત સરકારને ડોનેટ કરશે

અમદાવાદ-04-04-2020

રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજ માટે મહત્વની ગણાતું વેન્ટીલેટર માત્ર ૧૦ દિવસમાં બનાવ્યું છે. આ સ્વદેશી બનાવટના વેન્ટિલેટરને ધમણ-૧ નામના આપવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોના પોઝીટીવ ધરાવતા દર્દીને તેની ગંભીર પરિસ્થિતિમાં વેન્ટીલેટરની જરૂર પડતી હોય છે. અને જો કોરોનાના દર્દીઓની સંખ્યા વધે તો રાજ્યમાં વેન્ટીલેટરની ઘટ પડી શકે તેમ છે. તેમજ બજારમાં અન્ય સામાન્ય વેન્ટિલેટરની કિંમત રૂપિયા ૬.૫૦ લાખ જેટલી હોય છે. અને અત્યારે તો તેની પણ ભયંકર અછત છે. જેથી સંપૂર્ણ સ્વદેશી પાટ્સથી તૈયાર થયેલ ધમણ-૧ વેન્ટીલેટરની પડતર ફક્ત રૂપિયા ૧ લાખ જેટલી છે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટની કંપની જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ ગાંધીનગરમાં ધમણ-૧ને લોંચ કર્યું હતું. આ લોન્ચિંગ સમયે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ પોઝીટીવ દર્દી માટે વેન્ટિલેટરની સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પોઝિટિવ દર્દીને શ્વાસમાં તકલીફ પડે એટલે વેન્ટિલેટર પર તેને રાખવા પડે છે. આવામાં વેન્ટિલેટરની અછત સર્જાય તે સ્વાભાવિક છે. જો કે, રાજકોટની જ્યોતિ સીએનસીએ ઓછા ખર્ચે અસરકારક વેન્ટિલેટર બનાવવાનો પડકાર ઝીલ્યો હતો અને પરાક્રમસિંહ જાડેજાએ મેઈડ ઈન ગુજરાત, મેઈડ ઈન રાજકોટ એવું આ વેન્ટિલેટર બનાવીને તેને કાર્યરત કરી દેખાડ્યું છે.

જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધી અમેરિકામાં કામ કરનાર ડોક્ટર રાજેન્દ્રસિંહ પરમારની સાથેની ૧૫૦ નિષ્ણાંત ઈજનેરોની ટીમ દ્વારા વેન્ટીલેટર બનાવવાના કાર્યમાં જોડાઈ હતી. આ ટીમે સાત દિવસમાં જ વેન્ટિલેટરની ડિઝાઈન અને પાર્ટ્સ જોડવાનું કાર્ય પૂરું કર્યું હતું. જે બાદ ગાંધીનગર ઈક્યૂડીસી ઈન્સ્ટિટ્યૂટમાં આ મશીન પર બે દિવસ સુધી પરીક્ષણ કરાયું હતું. જેમાં આ વેન્ટિલેટર પરીક્ષણના બધા માપદંડો પર ખરું ઉતરતા તેને પ્રમાણિત કરવામાં આવ્યું હતું. આ વેન્ટીલેટર પર સતત ૧૦ કલાક સુધી પરીક્ષણ ચાલ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ વાઈરસની અસરને પગલે ઈમ્પોર્ટ્સ થઇ શકે તેમ નથી. જેથી વિદેશી પાટ્સ મેળવવા શક્ય ન હોવાથી ભારતની ૨૬ જેટલી કંપનીઓનો જ્યોતિ સીએનસીએ સંપર્ક કરીને પાર્ટ્સની ઈન્ક્વાયરી કરી હતી. આ તમામ કંપનીએ પાર્ટ્સ આપવા ઉત્સુકતા દાખવી હતી. જેથી આ વેન્ટિલેટર બનાવવા સુરત, જામનગર, મોરબી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર સહિતની ભારતીય કંપનીઓએ પાર્ટ્સ આપ્યા છે અને આ કારણે જ આ વેન્ટિલેટરની બનાવટનો ખર્ચ રૂપિયા ૧ લાખથી પણ ઓછો આવ્યો છે.

તેમણે ૧૦૦૦ મશીનો ગુજરત સરકારને આપવાની વાત જણાવતા કહ્યું હતું કે આ કંપની તરફથી આગામી ૧૦ દિવસમાં ગુજરાત સરકારને ૧૦૦૦ ધમણ-૧ વેન્ટિલેટર સપ્લાય કરાશે. ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર કે જ્યાંની ઉદ્ધવ સરકારે પણ તેમનો સંપર્ક કરેલો છે તેને તથા દેશના અન્ય જરૂરિયાતવાળા રાજ્યોને પણ તેઓ ધમણ-1 સપ્લાય કરશે.