Page Views: 17672

આગામી 14 એપ્રિલ પછી દેશમાં કોરોના લોક ડાઉનમાં તબક્કાવાર જ છુટછાટ મળશે

રાજ્ય સરકારો દ્વારા સ્થિતિનો અભ્યાસ કરીને નિર્ણય લેવાશે

નવી દિલ્હી-4-4-2020  
સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે હવે લોક ડાઉનને દસ દિવસનો સમય બાકી રહે છે. દસ દિવસ પછી દેશમાં રાજ્યની સરકારો દ્વારા સ્થિતિનો અભ્યાસ કરીને લોક ડાઉન ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને માસ ટ્રાન્સપોર્ટેશન અને વધારે ભીડ થતી હોય એવા વિસ્તારોમાં લોક ડાઉનમાં ઓછી છુટછાટ આપવામાં આવે એવી સંભાવના જોવાઇ રહી છે.
સરકારે ૧૪ એપ્રિલ સુધી ૨૧ દિવસનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલ છે. જો કેન્દ્ર દ્વારા લોકડાઉનની મુદત લંબાવવામાં ન આવે અથવા રાજ્યોને પોતાની પરિસ્થિતિ અનુરૂપ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવે તો ગુજરાતમાં ૧૪ એપ્રિલ પછી એક સાથે સંપૂર્ણ છૂટ આપી દેવાના બદલે તબક્કાવાર છૂટ આપવાની વિચારણા થઈ રહ્યાનુ જાણવા મળે છે. ૧૪મી સુધીમા કોરોનાની શું સ્થિતિ થાય છે ? અને કેન્દ્ર તરફથી શું આદેશ આવે છે ? તેના પર ગુજરાતના આગળના જનજીવનના ધબકારનો આધાર રહેશે. પરિસ્થિતિ સુધરી ન હોય તો લોકડાઉન પુરૂ કરી દેવાથી જનઆરોગ્ય પર જોખમ વધે અને લોકડાઉન લંબાવે તો લોકોની આર્થિક સ્થિતિ વધુ કથળી જવાની ભીતિ છે.  જો કેન્દ્ર તરફથી છૂટ મળે તો ૧૪ એપ્રિલ પછી ગુજરાતમાં ધંધા-રોજગાર અને લોકોને બહાર નિકળવાની તબક્કાવાર છૂટ આપવામાં આવે તેવી શકયતા છે. અમુક વિસ્તારો અથવા અમુક ધંધાઓને અમુક સમય સુધી છૂટ મળે તેવુ વિચારાધીન છે. રેલ્વે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. ગુજરાતમાં ૧૪ એપ્રિલ સુધી એસ.ટી. બસ બંધ છે. ત્યાર પછી પણ સરકાર એસ.ટી. બસ ચાલુ કરવામાં ઉતાવળ કરે તેવુ અત્યારે દેખાતુ નથી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફલાઈટના બુકીંગ ૩૦ એપ્રિલ સુધી બંધ છે.
રાજ્યમાં જ્યાં કોરોનાના વધુ કેસ હોય ત્યાં નિયંત્રણ હળવુ થવામાં સમય લાગશે. ૧૪મી તારીખ પછી લોકડાઉન ઉઠી જાય તો પણ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નિયંત્રણ રહેશે. કોલેજ કક્ષાની પરીક્ષા અથવા માસ પ્રમોશનનો નિર્ણય બાકી છે. નવુ શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થનાર છે. અત્યારે જનજીવન મહદઅંશે થંભી ગયુ છે. ૧૪ એપ્રિલે સ્થિતિ નોંધપાત્ર સુધારા પર હોય તો તબક્કાવાર છૂટ મળે તેવા અત્યારના એંધાણ છે. જે તે વખતે પરિસ્થિતિની સમીક્ષા કરીને આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે. જો કે હાલના તબક્કે દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે અને ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે આવા સંજોગોમાં આગામી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા 14મી તારીખે પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવશે.