Page Views: 4782

સુરત પાલિકાએ તૈયાર કરેલા રીલીફ સેન્ટરોમાં ૨૦ હજારથી વધુ જેટલા શ્રમિકોએ આશરો મેળવ્યો

રીલીફ સેન્ટરોમાં શ્રમિકો, ઘર વિહોણા લોકો મારે રહેવાની સાથે ભોજન સુવિધા ઉપલબ્ધ કરાઈ

સૂરત:03-04-2020

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ગરીબ શ્રમિક વર્ગ હેરાન પરેશાન ન થાય, તેમજ કોઈ પણ શ્રમિક ભૂખ્યો ન સુએ એવા સંવેદનશીલતા સાથે રાજ્ય સરકારે વિવિધ નગરો અને શહેરોમાં હંગામી શેલ્ટર હોમ ઊભા કરી તેમના માટે રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામના કાંસાનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળાના ત્રણ ઓરડામાં આશ્રયસ્થાન ઊભું કરી ૪૦ શ્રમિકોને આશ્રય આપ્યો છે. અહીં ઘરવિહોણાં શ્રમિકોને લોકડાઉન પૂર્ણ ન થાય નિવાસ અને ભોજનની સગવડ ઊભી કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓને શ્રમિકોની દેખભાળ રાખવાં માટે પણ તૈનાત કરવામાં આવ્યા છે.

કતારગામ વિસ્તારમાં સાંઈ સરકાર ગ્રુપ કુબેરનગર-૧ દ્વારા દરરોજ ૬૦૦ થી ૭૦૦ શ્રમિકોને ઘરબેઠા ભોજનની સગવડની કામગીરી કરવામાં આવી રહી છે. ભુખ્યાજનોની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરતા યુવાનો અન્યોને પ્રેરણા આપી રહ્યા છે. મહાનગરપાલિકાના કતારગામ કોમ્યુનીટી હોલ ખાતે રોજ આસપાસ બનાવેલા સેલ્ટર હોમમાં શ્રમિકોને ભોજનની સહાય પહોંચાડવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રમિકો, ખુલ્લામાં રહેતા ઘરવિહોણા લોકો તથા અન્ય જેઓ પોતાની રોજબરોજની જરૂરીયાતો દૈનિક આવકમાંથી પુરી કરતા હોય છે તેઓની વ્હારે આવી છે. કતારગામ વિસ્તાર કાંસાનગર ખાતે આવેલા હોમલેશ ટેમ્પરરી સેન્ટર ખાતે ૪૦ જેટલા શ્રમિકોને રહેવા તથા જમવાની સેવા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરભરમાં જરૂરતમંદોને સમયસર ભોજન મળી રહે તે માટે પાલિકાની નગર પ્રાથમિક શાળાઓમાં વરાછા-એ ઝોનમાં પાંચ, વરાછા-બી ઝોનમાં એક, સેન્ટ્રલ ઝોનમાં સાત, કતારગામ ઝોનમાં બે, લિંબાયત અને રાંદેર ઝોનમાં એક અને ઉધનામાં બે તથા અઠવામાં એક મળી ૨૦ જેટલા રીલીફ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. રીલીફ સેન્ટરમાં જરૂરિયાત ધરાવતા લોકોને રહેવા, જમવાની તથા જરૂરી તમામ પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. આ રીલીફ સેન્ટરોમાં ૨૦,૯૮૪ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. આ લોકોને કુલ ૨૬,૭૪૨ ફુડ પેકેટ તથા ભોજન આપવામાં આવી રહ્યું છે. રીલીફ સેન્ટર સિવાય અન્ય જગ્યાઓએ કુલ ૧,૩૨,૪૪૬ ફુડ પેકેટ તથા ૬૯૯ રાશનની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.  

આ શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા ૨૫ વર્ષીય શ્રમિક શ્રી અસ્તુલ્લા શેખે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારૂ મૂળ વતન કોલકાતાના મુર્શિદાબાદ શહેર છે. રોજગારી માટે સુરત આવી હું સુરતમાં છેલ્લા એક વર્ષથી કેટરર્સમાં મજૂરીકામ કરૂ છું. લોકડાઉન શરૂ થયું ત્યારે અમે વતન જવા નીકળ્યા હતા, પરંતુ ટ્રેન અને બસ વ્યવહાર બંધ હોવાથી વતન જઈ શકાય એમ ન હતું. કેટરર્સમાં દૈનિક વેતન મળતું હતું. તેમજ કેટરર્સ દ્વારા આપવામાં આવેલા મકાનમાં અમે રહેતા હતા. ધંધારોજગાર બંધ થઇ ગયા હોવાથી અમારા માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું, આ સંજોગોમાં રાજ્ય સરકારે ગરીબ શ્રમિકો માટે રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમે સુરત મહાનગરપાલિકાના હેલ્પલાઈનમાં સંપર્ક કરતાં તેમણે અમને કાંસાનગરમાં નગર પ્રાથમિક શાળામાં રહેવાની તમામ વ્યવસ્થા કરી આપી હતી. હવે અમારે કોઈ મુશ્કેલી કે ચિંતા નથી. અહી આપવામાં આવતું ભોજન પણ પૌષ્ટિક હોય છે. અહી આશ્રય આપીને સરકારે અમારો રહેવા અને જમવાની સમસ્યા દૂર કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.