Page Views: 6853

CBSE બોર્ડ દ્વારા ધો.1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવા નિર્ણય

ધોરણ 10-12ની બોર્ડના બાકી પેપરો અંગે દસ દિવસ અગાઉ તારીખ જાહેર કરવામાં આવશે

અમદાવાદ-2-4-2020

 કોરોનાને પગલે સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગત ૧૮મી માર્ચે પબ્લિક નોટિસ ઈસ્યુ કરીને ૧૯મીથી ૩૧મી માર્ચ સુધીની તમામ બોર્ડ પરીક્ષા મોકુફ કરી દીધી હતી ત્યારે હવે પરીક્ષાઓ ક્યારે લેવાશે અને ધો.૧થી૯ અને ધ.૧૧માં બાકી રહેલી પરીક્ષાઓ લેવાશે કે કેમ તે સહિતના અનેક પ્રશ્નો વાલીઓમાં ઉઠતા અંતે બોર્ડે આજે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી દીધી છે.જે મુજબ ધો.૧૦ અને ૧૨માં હવે બાકી રહેલા તમામ વિષયોની પરીક્ષામાંથી આગળ ઉચ્ચ શિક્ષણ માટે જરૃરી હોય તેવા જ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે. ધો.૧થી ૯ અને ધો.૧૧માં જે સ્કૂલોએ  વાર્ષિક પરીક્ષા ન લીધી હોય તે તમામ સ્કૂલોને માસ પ્રશોનની છુટ આપી દેવાઈ છે.

 સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૃ કરી દેવાઈ હતી અને ૧૮મી માર્ચ સુધી ધો.૧૦ અને ૧૨માં ઘણા વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ કોરોનાને પગલે કેન્દ્ર સરકારના આદેશને ધ્યાનમાં રાખી સીબીએસઈ દ્વારા ૧૯મી માર્ચથી તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ હતી. ૩૧મી માર્ચ સુધીમાં અનેક વિષયોની પરીક્ષા બાકી હતી.પરંતુ  સેન્ટ્રલ બોર્ડે આજે સર્ક્યુલર કરીને સ્પષ્ટતા કરી છે કે બાકી રહેલા વિષયોમાંથી હવે  ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે જરૃરી હોય તેવા ધો.૧૦-૧૨ના મુખ્ય ૨૯ વિષયોની જ પરીક્ષા લેવાશે.

ધો.૧થી૯ અને ધો.૧૧માં માસ પ્રમોશનની છુટ આપી દેવાઈ છે. ધો.૧થી૮ માટે બોર્ડે જણાવ્યુ છે કે તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણ કે ગ્રેડમાં મોકલી દેવામા આવે અને જે માટે એનસીઈઆરટી સાથે વાટાઘાટો કરીને એડવાઈઝરી જાહેર કરાશે. ધો.૯ અને ૧૧માં અનેક સ્કૂલોએ વાર્ષિક પરીક્ષા લઈ લીધી છે જ્યારે ઘણી સ્કૂલોએ પરીક્ષા લીધી ન હતી અને લોકડાઉન જાહેર કરી દેવાયુ હતું.આમ જે સ્કૂલોએ પરીક્ષા લીધી નથી તેઓએ વિદ્યાર્થી પ્રોજેક્ટ વર્ક, પીરિયોડિક એક્ઝામ તથા ટર્મ એક્ઝામના મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીને પરિણામ આપવાનું રહેશે. જેઓની ઈન્ટરનલ પરીક્ષા બાકી હોય તેઓને ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષાની તક આપવી અને જેના આધારે પરિણામ આપવુ એવું પણ જણાવવામાં આવ્યુ છે.