Page Views: 9880

૯૩ વર્ષના વૃદ્ધની સારવારમાં હાર્ટએટેક આવ્યો-વેન્ટીલેટર પર હોવા છતાં કોરોનાને માત આપી

વૃદ્ધ દંપતી સહીત સમગ્ર પરિવાર એક સાથે સાજા થયા : ડીસ્ચાર્જ વેળાએ મેડીકલ સ્ટાફની આંખોમાં આંસુ આવ્યા

નવીદિલ્હી-01-04-2020

કેરળમાં વયોવૃદ્ધ દંપતી કોરોનાથી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે કોરોના સક્રમિત બંને દર્દીઓમાં ૯૩ વર્ષીય વૃદ્ધ અને ૮૮ વર્ષીય તેમની પત્નીનો સમાવેશ થાય છે. આટલી ઉમરે ઈન્ફેકશનની સાથે અનેક બીમારીઓ હોવાથી ડોકટરોએ હિમત મૂકી દીધી હતી. પરંતુ બંને વૃદ્ધ જયારે કોરોનાથી સાજા થયા બાદ તેમના ડીસ્ચાર્જ સમયે તેમની સારવાર કરનાર તમામ સ્ટાફના આંખમાં આંસુ આવી ગયા હતા. અને સૌએ આ દંપતીની હિંમતને બિરદાવી હતી.

વાસ્તવમાં ૯૩વર્ષની વયે માણસનું શરીર અનેકો બીમારીઓ સામે લડવા અક્ષમ હોય છે. અને આવા સમયે કોરોના સામે જંગ લડીને તેને કેરળના એક વૃદ્ધે હરાવી છે. તેમના ૮૮ વર્ષીય પત્નીને પણ કોરોના પોઝીટીવ હતો. આ દંપતી ર૯ ફેબ્રુઆરીએ ઇટલીથી આવ્યું હતું તથા પાંચમી માર્ચે આ પરિવાર હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ દરમ્યાન તેમને ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શનની તકલીફ પણ હતી. ઇન્ફેકશનની સારવાર દરમ્યાન વૃદ્ધને હાર્ટ-અટેક પણ આવ્યો હતો.  આટઆટલી બીમારી હોવા છતાં બંને દંપતીએ એક બીજાનો સાથ આપીને હિંમત થી કોરોના સામે લડત આપી હતી. અને જંગ જીત્યા હતા. જયારે તેમની સાથે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તથા તેમની સાથે જ દાખલ થયેલાં અન્ય સગાંસંબંધીઓ પણ દાખલ હતા. જેઓ પણ સાજા થતા તે સૌને એક સાથે ડિસ્ચાજ કરાયાં હતાં. લાંબો સમય હોસ્પિટલમાં રહેવાથી વૃદ્ધ દંપતી સાથે સારવાર કરનાર ડોકટર સ્ટાફનો લગાવ થઈ ગયો હતો. જયારે તેમના ડીસ્ચાર્જ સમયે હોસ્પિટલના દરવાજા સુધી પહોંચેલા તેમનો ઇલાજ કરનાર ડોકટર અને હોસ્પિટલનો સ્ટાફની આંખોમાં આંસુ આવી ગયા હતા.