Page Views: 5819

વૈશ્વિક અર્થતંત્ર આર્થિક મંદીમાં પ્રવેશ્યું : આઈએમએફ પ્રમુખ ક્રિસ્ટલીના

હાલની સ્થિતિ ૨૦૦૯ કરતા પણ ખરાબ : જો કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવાય તો મંદીમાં રીકવરીની સંભાવના

નવીદિલ્હી-28-03-2020

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના પ્રમુખ ક્રિસ્ટલીનાએ કોરોના સંકટના કારણે વિશ્વભરનું અર્થતંત્ર આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂકયુ હોવાનું જણાવ્યું છે. કે હાલ જે સંકટ છે તે ૨૦૦૯ કરતા પણ ખરાબ છે. સારી વાત એ છે કે વિશ્વભરના ટોચના નેતાઓએ સ્વીકાર્યુ છે કે આ સંકટને નિપટવા માટે સંયુકત પ્રયાસ કરવા પડશે. આ સંકટમાંથી બહાર નીકળવા માટે વિશ્વભરની વિકસીત અર્થવ્યવસ્થાઓએ મોટી રકમ અને મદદ કરવી પડશે.

પ્રમુખ ક્રિસ્ટલીનાએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂકયા છે. વિશ્વભરનુ અર્થતંત્ર એકાએક થંભી ગયુ છે. ઉભરતા બજારોને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ઓછામાં ઓછા ૨.૫ લાખ કરોડ ડોલરની મદદ કરવી પડશે. તેમના કહેવા મુજબ અત્યાર સુધીમાં ૮૦થી વધુ દેશ આ વૈશ્વિક સંસ્થા પાસે તાત્કાલીક મદદની માગણી કરી ચૂકયા છે. તેમણે આશા આપતા કહ્યુ હતું કે જો કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવાય તો મંદીમાં રીકવરીની સંભાવના છે. આપણે ૨૦૨૧માં રીકવરીની આશા રાખી શકીએ. આ મંદીની અસર બાબત તેમણે જણાવ્યું હતું કે આ મંદી બે બાબતો પર નિર્ભર કરશે. પ્રથમ એ છે કે કોરોનાનો માર કયાં સુધી અને કેટલો પડે છે ? બીજુ એ એક વિશ્વભરના ટોચના નેતાઓ તેને નીપટવા માટે કેવા સંયુકત પ્રયાસ કરે છે ?