Page Views: 21152

સાહિત્ય સાંનિધ્ય ચિત્ર સ્પર્ધા વિષય: ૪૭નું પરિણામ

મારું મારું ની માંગ; એ હોળી છે ! તારામાં મારો ભાગ; એ હોળી છે !


વાપી- નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા
વોટ્સએપ ગ્રુપ સાહિત્ય સાનિધ્ય દ્વારા હોળી ધૂળેટીના પર્વ દરમ્યાન ચિત્ર સ્પર્ધા 47નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તમામ સભ્યો દ્વારા પોતાની ઉત્તમ રચનાઓ સ્પર્ધામાં મુકવામાં આવી હતી. જે પૈકી વિજેતા જાહેર થયેલી રચનાઓ અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. 

 

૧.   શૈલેષ પંડ્યા  નિશેષ

રંગોના અવસરમાં ડૂબ્યાં, ડૂબ્યાં છે ફાગણમાં,
ગુલાલી સપનાંઓ ફૂટયાં, સાવ સુક્કા રણમાં.

અલકદલક પંખીએ પાયો ટ્હુંકા ભેગો કલરવ,
અંગેઅંગ  કોળ્યો છે કૈં રેશમી કેસુડાનો દવ,
જાણે ક્યાંથી ફૂટી નીકળી સૂરજની પીચકારી,
રંગવછોઈ વહેવા લાગી છે મોટા ઘરની બારી,

છાતીની કંપારી આજ દોડી આવી છે કંકણમાં,
ગુલાલી સપનાંઓ ફૂટયાં સાવ સુક્કાં રણમાં.

છાંટે છાંટે મ્હોરી ઉઠી છે તરસબાવરી નદીયું,
વાંસલડીનાં ટ્હૂંકા સાથે ખરવા લાગી સદીયું,
તેજે ટાંકી લીધા એણે દર્શનના જળજળિયા,
ઘૂઘવતા દરિયાની વચ્ચે ગુલાબજળ છે ભળિયા,

ગલી ગલી થઈ ફરતી રાધાને ક્હાન એકેક જણમાં,
ગુલાલી સપનાંઓ ફૂટયાં સાવ સુક્કાં રણમાં.

શૈલેષ પંડ્યા      નિશેષ

 1- નૂતનબહેન કોઠારી 'નીલ'

1-હરસુખ ભાઇ સુખાનંદી સીતારામ
          હોળી

મારું   મારું  ની  માંગ;  એ   હોળી છે  !
તારામાં  મારો   ભાગ;  એ   હોળી  છે !
આ  પરાયા  નો  તો શો  ધોખો  કરવો,
ઘરના જ લગાડે  આગ;  એ હોળી છે !
આ ગગન ચૂંબી આરસના મહેલ ચણે,
ને  અંદર  રાખે   લાખ;  એ  હોળી  છે !
રાંકને    ખાવા  ના   મળતું   ટીપું  વખ,
દુધ  પીયને  ઉછરે  નાગ;  એ હોળી છે !
બળતી  હોળી  ભાળીને ના  સમજ્યો,
કે   કાયા  થાશે   રાખ;  એ  હોળી  છે !

હરસુખભાઈ સુખાનંદી સીતારામ

૧.   ધનજીભાઈ એન મકવાણા

ઘેર    ઘેર     ફરતી    ઘેરૈયા    ટોળી,
ભરી  લાવી  છાણાં  લાકડાં   ઝોળી.

પાદર     જઈ      પ્રગટાવી    હોળી,
પછી    ધૂળેટીને     રંગમાં     બોળી.

રાતો,   પીળો   ને   લાલ    ગુલાબી,
બીજો     રંગ     લીલો    વરિયાળી.
કોઈ     લાવ્યું    છે    ખોબો    ભરી,
તો   કોઈ    ભરીને   ગાગર    ગોળી.

 રંગ    ભરી   કોઈ    ફેંકે   ફુગ્ગા, તો
કોઈ     ઊભા   છે   હાથમાં   ઘોળી.
ભરી     પીચકારી     કોઈ      ઉડાવે,
તો   કોઈએ     દીધો   ગાલે   ચોળી.

રંગોની      થઈ       રેલમ      છેલમ,
જાણે     કે    પૂરી    કોઈ     રંગોળી.
બંસી     બજાવે       કૃષ્ણ     કનૈયો,
ને     નાચે    રાધા   ભોળી    ભોળી.

ધનજીભાઈ એન મકવાણા,
અભરામપરા.

૧.   પ્રીતિ જે ભટ્ટ.. 'પ્રીત"
 *પિરામીડ લઘુકાવ્ય*

                           હું
                          રાધા
                         બનું ને,
                        તું રે શ્યામ
                       પ્રીત ફાગણે
                      ફુટે છે મંજરી
                    ને હૈયે હોળી હોળી!!

પ્રીતિ જે ભટ્ટ.. ‘પ્રીત’ (નવસારી)

2⃣જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ ,
રંગ અડીને ,થયું જાણે અંગે અંગ ગુલાલ . .

રંગની મોસમ જામી ને જળનો સંગાથ ,
સ્નેહમાં આપણે ચાલ્યા હાથમાં લઇ હાથ.
મારકણા નયનથી મારી ,પૂછે છે વાલમ કેવા છે હાલ?
રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ .
 
જિંદગીને મળી જડીબુટ્ટી ને થઇ સારવાર,
જ્યાં મળ્યું હૈયાથી હૈયું ,ને થઇ સોનેરી સવાર.
રંગ લાગ્યો પ્રીતમ તારો ને લાગે હવે જિંદગીમાં તાલ .
રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ .
 
ફાગની મસ્તી છવાઈ આજે મારા પર ,
આ મસ્તીનો રંગ છાંટીશ આજે તારા પર.
રોજબરોજની દોડ મેં પણ મૂકી છે આજકાલ .
 રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ .

રંગ ચડ્યો એવો કે પોકારીને બોલે ,
આમ ચૂપ પણ ખુશાલી બધા રાઝ ખોલે .
આ જોઈ જગ પૂછે કયો રંગ ચઢ્યો છે ને શેના આટલા ખુશહાલ?
રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ .

એકલતાના કોરા રંગમાં મેઘધનુષ કોઈએ દોર્યું છે,
છાનું છપનું છે પણ કોઈ આંખે હેતનું વાદળ જોયું છે.
વળગી પડું વેલ માફક એવા આવે છે ખ્યાલ.
રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ .

રંગ સાથે વ્હાલમે ઉડાડ્યો છે વ્હાલ ,
રંગ અડીને થયું જાણે અંગે અંગ ગુલાલ .

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

2⃣અંજના ગાંધી "મૌનું"

મારા મતે- કાન્હા મને રંગાઈ જાવા દે...

કાન્હા મને  પ્રેમ રંગમાં રંગાઈ જાવા દે,
આંખો મહીં થી દિલમાં છવાઈ જાવા દે..
કાન્હા મને પ્રેમ રંગમાં રંગાઈ જાવા દે..

છે રંગનો તહેવાર આવી રંગી જા મને,
એવો ગુલાલ પ્રીતડીનો છાંટજે પછી,
તન-મન થી તારા રંગમાં ભીંજાઈ જાવા દે..
કાન્હા મને પ્રેમ રંગમાં રંગાઈ જાવા દે..

જે પૂછ્યો તને એ પ્રશ્ર્નનો ઉત્તર લઈને આવજે,
આશાની એક જ્યોત પછી ત્યાં જગાવજે,
તારા સહુ ઉત્તરમાં મને સમાઈ જાવા દે,
કાન્હા મને પ્રેમ રંગમાં રંગાઈ જાવા દે..

મારા હ્રદયની વાતને જો સમજી શકે અગર,
તારા જ હોઠ પર ની જાણે વાંસળી અગર,
અધરે જ તારી સંગ ત્યાં ફુંકાઈ જાવા દે..
કાન્હા મને પ્રેમ રંગમાં રંગાઈ જાવા દે..

ના છોડ એવી રીતે કે હું ના જીવી શકું?
તુજને ન વિનવું તો પછી કેણને કહું?
રાધા છે શ્યામ ની સૌને જણાઈ જાવા દે..
કાન્હા મને પ્રેમ રંગમાં રંગાઈ જાવા દે..

અંજના ગાંધી "મૌનું"
વડોદરા

૨.    નિરંજન શાહ 'નીર'

નથી રહી હવે અે મિત્રોની ટોળી,
કહો કેમ રમવી મારે હવે હોળી ?

લડતાં ઝઘડતાં પાછા ફરી મળતાં,
વેર અમે દિલમાં  ના કદી ભરતાં,
ખોવાઈ ગઈ છે મુરત અે ભોળી,
કહો કેમ રમવી મારે હવે હોળી ?.

સ્નેહનો  રંગ અે હતો સતરંગી,
અંતરે હતી કોઈ છાપ નવરંગી.
ખાલી થઈ ગઈ અે રંગોની  ઝોળી,
કહો કેમ રમવી મારે હવે હોળી ?

સંધ્યાનાં ખીલે છે નીત નવા રંગો,
ખેલું છું હું તો જિંદગીનાં જંગો
આંગણ પુરી મારા સમયની રંગોળી.
કહો કેમ રમવી મારે હવે હોળી?

  નિરંજન શાહ 'નીર'

૨.   દિપ્તી પટેલ 'શ્રીકૃપા'

હે હોળી આવી  રંગીલી  હોળી  આવી રે,
હરખ હૈડે ના માય રંગીલી હોળી આવી રે.
કાના હોળી ખેલે ગોપ ગોપી સંગ કાના રે,
છાંટી  ખેલે  પ્રેમ  ભીનો  રંગ  કાના  રે...
રંગીલી હોળી આવી રે...
હોળી  રમે  રંગે  મેળામાં  કાના  રે...
રંગ ગુલાલ ઉડાડે ટોળામાં કાના રે...
રંગીલી હોળી આવી રે..
મન કળશ  આનંદ ભરું છું કાના રે..
રહી ચૂપ  કહેવું  છે મારે  
રંગીલી હોળી આવી રે...
બધિર  બની  સાંભળું  હું કાના રે....
બંધ  કરીને  નયન દેખું હું  કાના રંગીલી હોળી આવી રે..
કાચા રંગે જડ્યો આ માનવદેહ કાના રે....
પાકા  સત્સંગ  રંગે  રંગાવો  કાના  રે...
રંગીલી હોળી આવી રે...
સૂતેલા અંતરાત્માને જગાવો કાના રે...
તારા જપનામ રંગે હકારો કાના રે
રંગીલી હોળી આવી રે...

નામ રંગ જો ના ચઢે મુજને કાના રે....
દેહમાં પ્રગટાવો વિરહગ્નિ તમે કાના રે...
રંગીલી હોળી આવી રે..
દેહને હોલીકા તણાં જલાવો કાના રે...
પ્રહલાદ તણાં પ્રેમાગ્નિ બચાવો કાના રે..
રંગીલી હોળી આવી રે...
એ જ રંગ બધાં રંગમાં મિલાવી કાના રે...
મોરપીંછ  કલગી  સિરે  ધરાવું  કાના રે..
રંગીલી હોળી આવી રે...
જન્મોજન્મ ગોપી બનાવી રાખો કાના રે...
રોમ રોમ  પુકારે  રાધેશ્યામ  કાના રે..
રંગીલી હોળી આવી રે
નવપલ્લવ લતા તરું તણાં હીસે કાના રે...
ચૈતન્યથી ભરપૂર પ્રાણ સોહાયા કાના રે...
રંગીલી હોળી આવી રે....

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.

૨.     વિહા ઓઝા

રાધા ઘેલો કાન,
શુદ્ધ પ્રેમની છે આ અરદાસ,
હોળી સંગ મન રંગવા,
આવે આ કાનો રાધા પાસ,
વિશ્વાસની છે આશ,
બધાં ભૂલી રહ્યા છે આ વાત,
હવે રાધા - કાન સમજાવશે,
હર એક દરસ એક માન.

- વિહા ઓઝા.

૩.ચેતના ગણાત્રા 'ચેતુ'

પાવન પ્રેમ મહેકશે ચોફેર
મન બની જાશે ચંદન ત્યારે.
નારી બની જશે રાધા અને
નર થઈ જશે મનમોહન પ્યારે.

તનને કોઈ પણ રંગમાં રંગી લો શું ફરક પડે છે ક્યારે,
મન રંગાઈ જશે શુદ્ધ પ્રેમમાં,
બની જશે વૃંદાવન ત્યારે.

જીવનમાં પ્રગટશે શુદ્ધ પ્રેમ તણો આનંદ ઉલ્લાસ જ્યારે,
રચાઈ જશે એક દિવ્ય સ્નેહધારાની 'ગઝલ' ત્યારે.

ચેતના ગણાત્રા "ચેતુ"
મુંબઈ

૩.   અલ્પા વસા કાવ્યાલ્પ
        ગીત -"પ્યારી હોળી "

આવી..આવી.....    (૨)
અરે, આવી..આવી...
હોળી આવી.....
મેઘધનુના રંગ લાવી.....(૨)
થઈ ગયા સહુ,
એક દિ ના કાના-ગોપી...
આવી  આવી
પ્રેમ સંગે બાંધી લાવી....(૨)
ઉડાડ્યો ફૂંક મારી,
સૂકા દિલે થઈ હરિયાળી...
આવી    આવી
હરખાતી મલકાતી આવી .....(૨)
લાલ રંગનું પાણી જાણે,
હિમાલયથી ગંગા નિકળી...
આવી    આવી
કેસુડો મહોરી લાવી ......(૨)
નાનું- માટું નહીં કોઈ,
સમાનતાની દુનિયા નિરાળી...
આવી    આવી
મદહોશીનું મધ લાવી.....(૨)
પ્યારી પ્યારી લાગે સહુને,
અલગારી એની ફકીરી...
આવી    આવી
પ્રેમી દિલે ઉમંગ લાવી.... (૨)
જુવાનીની સહુને ,
પાંખો પહેરાવવા આવી ....
 આવી    આવી

'કાવ્યાલ્પ' અલ્પા વસા

૩.   કોકિલા રાજગોર

જોને કાના ફાગી ફોર્યો ફાગણ..
રંગો પૂરી કુદરતે લ્હેર્યો ફાગણ..
રાધા માંગે પ્રેમથી બસ એક જણ...
ખખડે વ્હાલે એનાં હાથ કંકણ..
રૂદિયું ધડકે જાણે ધકધક ધમણ..
 નથી પડતીરે કંઈએ સમજણ..
જોને કાના ફાગી ફોર્યો ફાગણ..
રંગો પૂરી કુદરતે લ્હેર્યો ફાગણ..
કાના એ શું કીધાં રે કામણ?
મનડું ઘેલું કરતું ગણ ગણ..
જાણે માખી ની બણબણ...
રાધા માંગે એક પ્રેમ કણ..
જોને કાના ફાગે ફોર્યો ફાગણ..
રંગો પૂરી કુદરતે લ્હેર્યો ફાગણ..
  કોકિલા ને તરવું ભવરણ.
ચાહતી તેથી તારું સગપણ
કાના તું સારી ભ્રમણાને ચણ
રાધા ઘેલી સાવ છે અભણ
જોને કાના ફાગી ફોર્યો ફાગણ.
રંગો પૂરી કુદરતે લ્હેર્યો ફાગણ..

કોકિલા રાજગોર
ભીવંડી થાના

૩.   નિલેશ બગથરિયા.. નીલ
         હોળી આવી

રંગ લીલો,પીળો લાવી
લાલ,ગુલાબી, વાદળી લાવી
કાળો,કેસરી,કોફી લાવી
      રંગબેરંગી હોળી આવી.
ખજૂર,દાળીયા ખાવા લાવી
નાળિયેર ઘણાં પધરાવા લાવી
ધાણીના ઢગલે ઢગલા લાવી
      હરતી ફરતી હોળી આવી.
ચીનુ નવીન પિચકારી લાવી
મીનુ રંગભર્યા ફુગ્ગા લાવી
ટીનુ પાણી ભરી ડોલ લાવી
       ભીંજાતી ભીંજાતી હોળી આવી.
છોકરાઓની ટોળી આવી
ચોરી છાણાં હજાર લાવી
ગામને પાદર ગોઠવી આવી
      સળગતી સાંજે હોળી આવી.
બાળક મનમાં ઉલ્લાસ લાવી
યુવા હૈયે તો ભીનાશ લાવી
મોટેરા માટે મોજે મોજ લાવી
       રમતી રમાડતી હોળી આવી.


નિલેશ બગથરિયા....નીલ

૩.    મીરા ડી વ્યાસ

આજ આવ્યો ગોકુળ ગામે રુડો રંગીન રંગોત્સવ,
શણગાર્યુ છે ઘેર ઘેર ગોકુળ ગામ,
નાના મોટા સહુ કોઈ ખેલે આજ હોળી,
ઘેરૈયાની ટોળી આવી લઇ અબીલ, ગુલાલ,
રંગભીના ,
ફાગણયો લહેરાયો,
હૈયે હરખ ને ઉરે ઉમટયો છે આજ ઉમંગ,
રાધારાણી ઉભી ઉભી રાહ જુએ જમુના કિનારે, .....
આવ્યો છે આજ ગોકુળ ગામમાં હોળી ધુળેટી નો તહેવાર,
રંગોત્સવ રમવાને આજ મનડુ મારુ મોહ્યુ,
શ્યામ મારા હૈયે હરખ ઉમટયો છે આજ, .....
રાધા જુએ વાટડી શ્યામ તારી હરખે
શાને લગાડો તમે વાર રમવાને આવો રંગીન રંગોત્સવ,
આભે ઉડે રંગોની છોળો,
સખી સહિયર ના અંગે અંગ રેલ્યો,
આવી શ્યામ સહુ સખી સહિયર સંગ રંગાયા રંગે ઉભા ઉભા ને રાધા રાણી ખેલ્યા મનભરીને રંગોભરી હોળી નેં રંગાયા રંગીન રંગોત્સવે,

મીરા ડી વ્યાસ
રાજકોટ

વિશેષ:-
રાગિની શુકલ

    હોળી. ઉત્સવ.
............................
   વાસંતી વાયરા વાયા ને આંગણે આવ્યું . વાસંતી વાયરે કુણી કૂપળો ફૂટીને કૂણે પાંદડે પેલો રંગીન વા' ને કોયલ ટહુકો કરતી.યાદોને સાદ પાડી ને નભમાં રહેલું એક બુંદ સાત રંગોમાં સમાઈ જાય..
તેા કેવુું લાગે ?
    એવું જ હોળીનો તહેવાર જાણે તનમનમાં મચાવે હાહા કાર..હોલીનાં રંગબેરંગી રંગોની બોછાર...
આજ મોબાઈલથી તો હોળીની વધાઈ સૌ દો પણ હાથમાં મુઠ્ઠી ભરી પંચ રંગી રંગો ની ને ગાલ પર લગાડવા આવે પ્રેમથી બહુ ઓછા છે. યાર..
ને ખોવાઈ ગઈ એ મસ્તી મારી...ને મુખડાની લાલી મારી.. કેવા રંગોની ભાત ને યાદ મારી ..ભૂલી ભુલાતી નથી. એ લાગેલો પાક્કો કલર આજે પણ જાતો નથી...
વિવિધ રંગોમાં જીવતી મારી જાત સાથે હું જેમકે રંગોની ફોરમ ...
મારી મમ્મીના ખોળામાં માથું મુકીને સૂઈ જાઉં દાદી પાસેથી જાત જાતની વાતો સાંભળવી
ને વૈદુ શીખવું દાદા ને પપ્પા પાસે એમની દુકાને જઈને હિસાબ ગણી આપવેા.કયારેક સ્કુલની મસ્તી ,પાપાના સ્કુટર પર ફરવા ચૂપકીથી જવું ને મજા લેવી .પતંગિયાની જેમ કલરફૂલ મસ્તી કરવી.
ઊંચી ઉડાન ઉડવી....
જાત જાતના કલરોથી મસ્તી કરું લોકો સાથે.ત્યારે હું જાતજાતની નવી નવી મસ્તી કરુ હું. એજ મારે માટે તો મસ્તી ભયાૅ રંગોથી રંગાવા કરતા ઓછું નથી. સાસરે જઈને પન લોકોનું પસંદગી નું ખાણુ બનાવવું . રાતે છુપાઈને વેસ્ટનૅ કપડાં પહેરવા. દરેક રંગોમાં રંગાતા શીખી ગઈ.
જાત જાતના રંગોના રંગોથી રંગોની હોળી..રોજ રંગબેરંગી જિંદગી જાણે કલરોની જેમ માણતી ગઈ...એ મારા માટે મારા મુખડાંના રંગોને ખુશી જેવી રંગોની ભાત. ના હેાય...ને રંગો કરતા પણ વિશેષ હોળી...મારી...    માટે કોઈ નહીં..
   રાગીની શુકલ ..
(મુંબઈ,કાંદિવલી.)

તીર્થભાઈ સોની "બંદગી

પીજો ભાંગ ઘોળી - ઘોળી,
પછી મોજમાં રમો હોળી,
ગુલાલ તમ ગાલ ચોળી,
રાધાની રંગાઈ ચુંદડી ધોળી - ધોળી...
સૌ યાદ કરો પ્રહલાદ, આવ્યો હોળી નો ત્યોહાર
સમરે નામ નારાયણ નાથ, મારે હિરણ્યકશ્યપ માર
છોડ્યા મહા વિષેલા સાપ, તોય ન માર્યો રે પ્રહલાદ
સમરે નામ નારાયણ નાથ, નારાયણ ઉગારે પ્રહલાદ
ફાગ સુદ પૂર્ણિમા કેરી સાંજ, હિરણ્યકશ્યપ કરે હોળીકા ને સાદ
ઓઢી ઈશ વર ચુંદડી, બેસ તું આગ ની માંહ
બેસાડી ખોળે મારો બાળ, બ્રહ્મા વરદાન સંભાળ
વિશ્વાસ બાળ ને છે અપાર, બાળ ને ઉગારે જગન્નાથ
ઓચિંતો વાયો વા, ચુંદડી ઉડી ગઈ આભ
હોળીકા બળી ને થઈ રાખ, બાળ ને દઝાડી ન શકી આગ
હર્ષે હરિ નો કર્યો જયકાર, વિષ્ણુ ઉગારે પ્રહલાદ

- તીર્થભાઈ સોની *"બંદગી"*
રાજકોટ

નિર્ણાયકની  રચના:-

*હોળી*
ગાલગાગા ગાલગાગા ગાલગા

વાત ઝાઝી રાતમાં બોળી કરો,
યાદના શમણાં છે વાગોળી કરો.

રંગ છે પણ રંગનારો ક્યાં હવે?
કેમ લોહી રંગમાં  ઢોળી  કરો?

વેદના પ્યાલી ભરી છે રોજ મેં,
જામ છે ક્યાં કેફ તરબોળી કરો?

રાખજે ભીતર અગન અંગારને,
રોજ મરતી લાગણી હોળી કરો.

"નીત"ની શાહી ખુટી છે બસ હવે,
આ ગઝલને  ખૂનમાં  બોળી  કરો.

નીત ભટ્ટ
   હિંમતનગર