Page Views: 5292

લોકડાઉનની અસર પેટ્રોલ-ડીઝલ પર : વેચાણમાં ૮૦ થી ૮૫ ટકાનો ઘટાડો

જનતા કરફ્યૂ બાદ પેટ્રોલ ૪ કરોડ લીટર અને ડીઝલનું વેચાણ ૮ કરોડ લીટરએ વેચાણ પહોચી ગયું

અમદાવાદ-26-03-2020

વડાપ્રધાનની ૨૧ દિવસની લોકડાઉન જાહેરાત બાદ જાણે કરફ્યૂ લાદવામાં આવ્યો હોય તેમ લોકોએ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ-કરિયાણું, અનાજ, દૂધ તેમજ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ભરાવવા દોટ મુકી હતી. જોકે લોકડાઉન હોવાથી પેટ્રોલ ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યભરમાંથી પેટ્રોલ-ડીઝલમાં ૮૦ થી ૮૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

રાજયમાં સામાન્ય દિવસોમાં મહિને ૨૧ કરોડ લીટર પેટ્રોલ અને ૫૫ કરોડ લીટર ડીઝલનું વેચાણ થાય છે. પરંતુ જનતા કરફ્યૂ બાદ પેટ્રોલ ૪ કરોડ લીટર અને ડીઝલનું વેચાણ ૮ કરોડ લીટરે પહોંચી ગયું છે. એટલે કે દૈનિક માત્ર ૧.૩૩ લાખ લીટર પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે. જયારે દૈનિક ડીઝલનો ઉપાડ ૨.૬૬ લાખ લીટરનો થઈ રહ્યો છે. પેટ્રોલના વેચાણમાં ૮૧ ટકા અને ડીઝલના વેચાણમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

રોજનું ૪૫ હજાર લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરતા પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું હતું કે હાલમાં ચાર-પાંચ માણસોથી પંપ ચલાવી રહ્યા છે. કોરોનાના ભયથી માણસો જતા રહ્યાં છે. તે કયારે પરત આવે તે પણ નક્કી નથી. વડાપ્રધાનની લોકડાઉનની જાહેરાત બાદ પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી અને પાંચ હજાર લીટર વેચાણ થયું હતું. જયારે આવીજ પરિસ્થિતિ રહશે, તો આવતા મહિનાનો પગાર કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.