Page Views: 57807

સુરતમાં દુકાનો અને મોલ ચોવિસ કલાક ખુલ્લા રાખી શકાશે – પાલિકા કમિશનર

એપીએમસી સાથે મળીને ફળો અને શાકભાજીની હોમ ડિલિવરી થઇ શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા કવાયત- શાક માર્કેટને બદલે શાકભાજીવાળાઓને સોસાયટીઓના ગેટ પર જઇ વેંચાણ કરવા સૂચન

સુરત-26-3-2020
સુરત મહાનગર પાલિકા કમિશનર બંછા નીધિ પાની સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ શહેરીજનોને પ્રાથમિક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યાના સુમારે સુરત મહાનગર પાલિકા ખાતે કમિશનર બંછા નીધિ પાની, પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં લોક ડાઉન દરમ્યાન લોકો સોશિયલ ડિસ્ટસ્ટીંગનો અમલ યોગ્ય રીતે કરે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને આ મીટીંગના અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સુરત શહેરમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પુરી પાડતા મોલ અને કરિયાણાની દુકાનોના સંચાલકો વિસ્તાર પ્રમાણે પોતાનો કારોબાર ચોવિસ કલાક ચાલુ રાખી શકશે. લોકોની ભીડ એકત્ર ન થાય અને લોકોને સરળતાથી તમામ સર સામાન મળી રહે તેના માટે આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને મોલ અને દુકાનોમાં લોકોની ભીડ એકત્ર ન થાય અને લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેની વ્યવસ્થા મોલ કે શોપ માલિકોને કરવાની પણ તાકિદ કરવામાં આવી છે.
આ સિવાય સુરત એપીએમસી માર્કેટ ખાતેથી લોકોને ઘરે બેઠા ફળ ફળાદી અને શાકભાજી મળી રહે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્થાનિક કુરીયર કંપનીના ડિલિવરી બોયની મદદ લઇને એપીએમસી ખાતેથી જ સીધી ફળ અને શાકભાજીની હોમ ડિલિવરી આપવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે જે અંગે ટુંક સમયમાં તમામ વિગતો જાહેર કરવામાં આવશે. સુરત શહેરના વિવિધ શાક માર્કેટોમાં લોકોની ભીડ એકત્ર થઇ રહી છે અને તેના કારણે કોરોનાના સંક્રમણમાં વધારો થવાની દહેશત છે. આવા સંજોગોમાં સુરતના તમામ શાકભાજી માર્કેટમાં ઉભા રહેતા લારીવાળાઓને સોસાયટીના ગેટ પર જઇને શાકભાજીનું વેંચાણ કરવા માટે જાણ કરવામાં આવી છે જેનાથી લોકોના ટોળા એકત્ર ન થાય અને લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ આસાનીથી મળી રહે.