Page Views: 4683

ભાવનગરમાં કોરોનાના એક દર્દીનું મોત- રાજ્યમાં મરણાંક 3 પર પહોંચ્યો

અગાઉ સુરત અને અમદાવાદમાં એક-એક દર્દીનું મોત થયું હતું

સુરત-26-3-2020
રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ભાવનગર શહેરમાં એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયાનું જાહેર થયું છે. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા એક 70 વર્ષીય વૃધ્ધનું કોરોનાને કારણે મોત થયું છે. આ ઘટનાને પગલે વૃધ્ધના સંપર્કમાં આવેલા તમામ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે તેમજ તેમને હોમ કોરેન્ટાઇનમાં રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામના બ્લડ સેમ્પલ લેવાની અને તેની ચકાસણી કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના વૃધ્ધના મોતને પગલે રાજ્યમાં કોરોનાને કારણે મરનારા દર્દીઓની સંખ્યા હાલમાં કુલ ત્રણ થઇ છે. અગાઉ અમદાવાદ અને સુરત શહેરમાં એક એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું હતું. હવે ભાવનગરના એક વૃધ્ધના મોતથી મરણાંક ત્રણ પર પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તકેદારીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. લોકોને પોતાના ઘરમાંથી બહાર ન નીકળી અને લોક ડાઉનનો સંપુર્ણ અમલ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે.