Page Views: 3950

સુરતમાં કોરોનાના શંકાસ્પદ 8 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા રાહત- વધુ છ વ્યક્તિના સેમ્પલ મોકલાયા

શહેર-જિલ્લામાં કોરોનાના કુલ સાત કેસ નોંધાયા

સુરત-26-3-2020
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે એક પ્રકારનો ખોફ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા અંશે રાહતના સમાચાર મળી રહ્યા છે. જે આઠ દર્દીઓના શંકાસ્પદ કોરોનાના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે એટલે કે આ આઠ વ્યક્તિને કોરોનાનું ઇન્ફેક્શન નહીં હોવાનું બ્લડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. જો કે, વિતેલા ચોવિસ કલાકમાં સુરત શહેરમાંથી વધુ છ વ્યક્તિના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ માટે હાલમાં રાહ જોવામાં આવી રહી છે. અત્યાર સુધી સુરત શહેરમાં કોરોનાના કુલ છ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં એક કેસ નોંધાયો છે. સુરત શહેરમાં એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. આજે જે છ વ્યક્તિના સેમ્પલ શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે મોકલવામાં આવ્યા છે તેમાં મહાવીર હોસ્પિટલના ત્રણ વ્યક્તિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓ મહાવીર હોસ્પિટલ ખાતે મોતને ભેટેલા કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યા હતા અને તેમાંથી તેમને ઇન્ફેક્શન લાગ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં લોક ડાઉનની સ્થિતિ છે અને લોકો જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે જ પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે. આ સિવાય લોકોની ચહલ પહલ જોવા મળતી નથી.