Page Views: 8453

લોકડાઉન અને કોરોનાના ભયને પગલે લોકોનું વતન તરફ પ્રયાણ

જે વાહન મળે તે વાહનમાં જ પરિવાર સાથે લોકો રવાના : હવે વાહન ન મળતું હોવાથી લોકો પગપાળા જતા નજરે પડી પડ્યા છે

સુરત-25-03-2020

કોરોના વાઈરસને સુરત સહીત સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે સરકારના જનતા કર્ફ્યું બાદથી શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓએ વતનની વાટ પકડી લીધી છે. જયારે ગત બે દિવસો દરમિયાન જે વાહન મળે તે વાહનમાં જ પરિવાર સાથે વતન જવા રવાના થઈ ગયાં હતાં. જયારે હવે લોકો પગપાળા પણ પોતાના વતન તરફ જતા જોવા મળી રહ્યા છે.

એક તરફ કોરોના વાઈરસની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાઈરસને એપેડમીક ડીઝીસ જાહેર કરવામાં આ‌વ્યો છે. શહેરભરમાં લોકડાઉન કરવા સાથે સરકાર દ્વારા એક શહેરમાંથી બીજા શહેરમાં આવવા-જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે વરાછા-કતારગામમાંથી સૌરાષ્ટ્રવાસીઓનાં ટોળે ટોળા વતન જતાં ગંભીર દ્રશ્યો સામે આવ્યાં હતાં. અમરોલી ચેકપોસ્ટ પર સવારથી જ લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી. જેમાં વરાછા-કતારગામ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જવા જતાં જોવા મળ્યાં હતાં.

હાલ કોરોના ઈફેક્ટને લઈને રાજ્યભરમાં ટ્રાન્સપોર્ટેશન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારી બસો સાથે પ્રાઈવેટ લક્ઝરી બસ સેવા પણ બંધ કરી દેવાઈ છે. તેમજ લોકડાઉનને કારણે શહેરનાં તમામ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જેને લઈને હાઈવે સુધી પહોંચવા માટે અમરોલી-સાયણ રોડનો પર ઘસારો વધ્યો હતો. તેમ છતાં, પોલીસ તંત્ર દ્વારા વતન જતાં સૌરાષ્ટ્રવાસીઓને રોકવા માટે કોઈ તસ્દી લેવામાં આવી ન હતી. હાઈવે પર જવા માટે લોકો સરળતાથી અમરોલી બ્રિજથી વાયા સાયણ થઈ લોકો હાઈવે સુધી પહોંચી રહ્યાં હતાં. 

સરકારી-ખાનગી બસ સેવા બંધ થતાં લોકો ખાનગી વાહનો બુકિંગ કરાવી વતન જવા રવાના થયાં હતાં અને જે કાર, ટેમ્પો, ટ્રક, ટૂ-વ્હિલર જે વાહન મળે તેમાં સૌરાષ્ટ્રવાસીઓ વતન તરફ હિજરત કરતાં જોવા મળ્યાં હતાં. એકલ-દોકલ કારીગરો પણ હાઈવેથી કોઈ વાહન મળવાની આશામાં પગપાળા જ નીકળી પડ્યાં હતાં. જયારે હવે લોકડાઉનને પગલે વાહન ન મળતું હોવાથી લોકો પગપાળા પણ પોતાના વતન તરફ જઈ રહેલા જોવા મળી રહ્યા છે.