Page Views: 2623

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું મહાભારતનું યુધ્ધ 18 દિવસ ચાલ્યુ હતું કોરોના સામે આપણે 21 દિવસમાં વિજય મેળવીશુ

કોરોના માટે દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે

નવી દિલ્હી-25-3-2020

સમગ્ર દેશમાં આજથી એકવીસ દિવસ માટે લોક ડાઉન જાહેર કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોનાના સંકટ સામે એક જૂથ થઇને લડવાનો સંદેશો આપ્યો છે. તેમણે સમગ્ર દેશના લોકોને ઉત્સાહ વધારવા સાથે હાલની સ્થિતિમાં કઇ રીતે આ વૈશ્વિક મહામારી સામે આપણે ટક્કર લઇ શકીએ તેમ છીએ એ અંગે જાણકારી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના રહેવાસીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું- મા શૈલપુત્રીને પ્રાર્થના છે કે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ દેશમાં છેડાયું છે તેમાં હિન્દુસ્તાન અને દેશના 130 કરોડ દેશવાસીઓને વિજય મળે. કાશીનો સાંસદ હોવાના લીધે મને તમારી વચ્ચે હોવું જોઇતું હતું. પરંતુ દિલ્હીમાં જે પરિસ્થિતિઓ છે તેનાથી તમે અવગત છો. હું વારાણસી વિશે લગાતાર અપડેટ લઇ રહ્યો છું. મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું. આજે કોરોના સામે આખો દેશ યુદ્ધ લડી રહ્યો છે તેમાં 21 દિવસ લાગશે.

મોદીએ કહ્યું કે આજે 130 કરોડ મહારથીઓ સાથે મને આ યુદ્ધ જીતવું છે. સંકટના આ ક્ષણમાં કાશી સૌનું માર્ગદર્શન કરી શકે છે. કાશીનો અનુભવ શાસ્વત અને સનાતન છે. આજે લોકડાઉનની પરિસ્થિતિમાં કાશી દેશને સંયમ, સમન્વય અને સંવેદનશીલતા શીખવી શકે છે. સાધના, સેવા અને સમાધાન શીખવી શકે છે. કાશી મતલબ શિવ. શિવ એટલે કલ્યાણ. મહાદેવની નગરીમાં સંકટથી લડવાનું અને સૌને રસ્તો દેખાડવાનું સાહસ નહીં હોય તો કોનામાં હશે. કોરોના માટે દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ આપણને સૌને ધ્યાન રાખવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, ઘરોમાં બંધ રહેવું તે જ આ સમયે એકમાત્ર ઉપાય છે.

દેશવાસીઓના સાથ સહકારથી જ આપણે આ યુધ્ધ જીતવાનું છે અને તેના થકી જ આગામી દિવસોમાં વિશ્વને પણ આપણે એક રાહ બતાવવાનો છે એવો નિર્ધાર પણ વડા પ્રધાને વ્યક્ત કર્યો હતો.