Page Views: 10982

RKT માર્કેટના વેપારીઓ અને મુલાકાતીઓને હોમ કોરેન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગની સૂચના

કોરોના ગ્રસ્ત દર્દીની આરકેટી માર્કેટની મુલાકાતને પગલે પાલિકાના આરોગ્ય વિભાગે તમામ લોકોને સતર્ક રહેવા અને તબીબી સલાહ લેવા જાણ કરી


સુરત-25-3-2020
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઇને સતત સતર્કતા દાખવવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના એક દર્દીની મેડીકલ હિસ્ટ્રી જાણ્યા બાદ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રિંગરોડ પર મોટી બેગમવાડી સ્થિત રાધા કૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટના તમામ વેપારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે, કોરોનાનો ટેસ્ટ એક દર્દીને પોઝીટીવ આવ્યો છે આ દર્દીએ આરકેટી માર્કેટની મુલાકાત લીધી હતી અને ભરચક એવી આ માર્કેટના સંખ્યાબંધ વેપારીઓ અને કર્મચારીઓના સંપર્કમાં તે આવ્યો હોવાનું તેની મેડીકલ હિસ્ટ્રી પરથી જાણી શકાય છે. આ સંજોગોમાં અગમચેતીના પગલા રૂપે આરકેટી માર્કેટના તમામ વેપારીઓ અને તેના કર્મચારીઓ તેમજ છેલ્લા પંદર દિવસમાં આરકેટી માર્કેટની મુલાકાત લેનારા તમામ લોકોને હોમ કોરેન્ટાઇનમાં રહેવાની તાકીદ કરવામાં આવે છે. કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે સતર્કતા રાખીને જ તેનાથી બચી શકાય તેમ હોવાથી આરકેટી માર્કેટના વેપારીઓ અને કર્મચારીઓ તેમજ મુલાકાતીઓએ આ બાબતને ગંભીરતાથી લેવા માટે પણ જાણ કરવામાં આવી છે.

()()()ચાર હજાર જેટલા વેપારી છે આરકેટી માર્કેટમાં
રિંગરોડની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં જેની ગણના થાય છે એવી આરકેટી માર્કેટમાં અંદાજે સાડા ચાર હજારથી વધારે દુકાનો છે અને તેમાં એક અંદાજ પ્રમાણે ચાર હજાર જેટલા વેપારીઓની દુકાનો આવેલી છે. આના કરતા ડબલ સંખ્યામાં તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા છે અને દિવસભર હમાલી કરનારા પણ સંખ્યાબંધ લોકોની અવર જવર આરકેટી માર્કેટમાં હોય છે. આવા સંજોગોમાં જે લોકોએ છેલ્લા પંદર દિવસમાં આરકેટી માર્કેટમાં આવવા જવાનું થયું છે એ તમામ લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.