Page Views: 15682

શહેરીજનોને સુમુલનો દૂધનો પુરવઠો રાબેતા મુજબ મળશે

સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે કહ્યું સુમુલના તમામ કેન્દ્રો રાબેતા મુજબ ચાલુ છે લોકોએ ગભરાવાની જરૂર નથી

સુરત-24-3-2020
સમગ્ર દેશમાં કોરોના વાયરસના વધતા ખોફને પગલે આજે મધ્ય રાત્રીથી આગામી 21 દિવસ માટે લોક ડાઉન કરવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને પગલે શહેરીજનોમાં એક પ્રકારની દહેશત જોવા મળી રહી છે કે, આવતી કાલથી તેમને દૂધનો પુરવઠો સમયસર મળશે કે કેમ . આ અંગે સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠકે જણાવ્યું છે કે, સુમુલ ડેરીના સુરત શહેર અને જિલ્લામાં આવેલા તમામ પાર્લરો અને સેન્ટરો રાબેતા મુજબ જ ચાલુ છે. સુમુલ ડેરી પાસે પુરતા પ્રમાણમાં દૂધનો પુરવઠો છે અને તેના તમામ દૂધ કલેકશન સેન્ટરો પણ રાબેતા મુજબ જ ચાલુ છે. એટલે સુરત શહેર અને જિલ્લામાં તમામ સુમુલ સેન્ટરો પરથી શહેરીજનોને આવતી કાલે સવારે રાબેતા મુજબ જ દૂધનો પુરવઠો ઉપલબ્ધ થશે. કોઇ પણ પ્રકારની અફવા કે ખોટી માહિતીઓ મળે તો તેને નજર અંદાજ કરવા માટે પણ તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા દૂધનો પુરવઠો શહેર જિલ્લામાં રાબેતા મુજબ જ પુરો પાડવામાં આવશે જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.