Page Views: 5169

સુરતમાં ૧૦૦ ટકા લોકડાઉનની અસર જોવા મળી : મ્યુનીસીપલ કમિશ્નર

લોકો ઘરમાં જ રહી કોરોના સામે લડવામાં તંત્રને મદદરૂપ બનવા અપીલ

સુરત-24-03-2020

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેરમાં પોઝીટીવ અને શંકાસ્પદ કેસોમાં થઇ રહેલ વધારાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા 31મી સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જયારે ગત રોજ સુધી ઘરની બહાર નીકળતા લોકોને સમજાવવામાં આવતા હતા. જ્યારે આજે કડક અમલ શરૂ કરી દંડ અને વાહન ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે સતત બે દિવસથી પોલીસ કમિશ્નર દ્વારા વિવિધ વિસ્તારમાં રાઉન્ડ કરીને માહિતી મેળવી હતી.

સુરતમાં લોકડાઉનનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગત રોજ સુધી પોલીસ દ્વારા અપીલ કરી લોકોને ઘરની બહાર ન નીકળવા કેહવામાં આવતું હતું. જોકે, હવે પોલીસને કાફલો ઠેર-ઠેર ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં લૉકડાઉનની સ્થિતિ જોવા પોતે સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. તેમજ સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને ડામવા ખાસ અધિકારીની નિયુક્તિ પામેલ સુરતના પૂર્વ કલકેટર મહેન્દ્ર પટેલ પણ આ સ્થળ નિરીક્ષણમાં સામેલ હતા.

જયારે સ્થળ નિરીક્ષણ દરમીયાન મ્યુનિસિપલ કમિશનર બછાનિધી પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં સંપૂર્ણ રીતે લૉકડાઉનની અસર 100 ટકા જોવા મળી રહી છે. તેમ છતાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઘરેથી ના નીકળે. અત્યાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, અને કોરેન્ટાઈન હેઠળ જે લોકો પણ છે તેઓને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા છે. શહેરીજનો આ લૉક ડાઉનનું સખ્તાઈથી પાલન કરે આ માટે તંત્ર સજ્જ છે. જયારે સુરતના પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સોમવારે 32 જેટલા લોકો સામે દંડની પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે જેઓએ જાહેરનામાનો ભંગ કર્યો હતો. જે લોકો નિયમનું પાલન નહીં કરશે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

બીજી બાજુ નિરિક્ષણ દરમિયાન જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં આજે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી એક કેસ જિલ્લાનો છે. તેમના સંપર્કમાં આવેલા ડોક્ટર, મેડિકલ ટીમ અને તેમના પરિવારના સભ્યોને પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બીજો કોરેન્ટાઈન ઉભા કરવામાં તંત્ર સજ્જ છે.. જે જિલ્લાના લોકોને પણ જરૂર પડશે તો ઉપયોગમાં લેવાશે..