Page Views: 4126

લોકડાઉનનો અમલ ન કરનારા લોકો ક્યાંક દંડાયા તો ક્યાંક ફટકારાયા

પોલીસે કેટલીક જગ્યાએ લોકોની સાન ઠેકાણે લાવવા ઉઠક બેઠક કરાવી તો કેટલીક જગ્યાએ ‘હું સમાજનો દુશ્મન છું’ના પોસ્ટર સાથે ફોટો જાહેર કર્યા

સુરત-24-03-2020

સુરતને ૩૧મી માર્ચ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેની ગંભીરતા ન સમજતા લોકોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કેટલીક જગ્યાએ દંડ કરાયો તો કેટલીક જગ્યાએ ઉઠક-બેઠક કરાવામાં આવિ હતી. જયારે કેટલીક જગ્યાએ ન માનતા લોકોને પોલીસ દ્વારા ડંડાવાળી કરીને ફટકારવામાં પણ આવ્યા હતા.  

જનતા કર્ફ્યું બાદ પણ લોકડાઉન હતું જે ન માનીને લોકોએ બેદરકારી દાખવીને રોડ પર નીકળી પડ્યા હતા. જેને પગલે આજે શહેરીજનો લોકડાઉનનો અમલ કરે તે માટે શહેર પોલીસ દ્વારા કડક વલણ દાખવવામાં આવ્યું હતું. વિવિધ જગ્યાએ બેરીકેટ લગાવીને પોલીસ દ્વારા આવતા જતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેઓ માત્ર કામ વગર નીકળી પડ્યા હોવાનું જણાતા તેઓને સ્થળ પર જ દંડવામાં આવ્યા હતા. પોલીસે કેટલાક વિસ્તારમાં લોકો પાસેથી રીતસરની રસીદ આપીને દંડ લીધો હતો.

પોલીસે કેટલાક તત્ત્વોને આગવી સ્ટાઇલથી કાયદાનું ભાન કરાવ્યું હતું. કામ વગર રસ્તા પર નીકળેલાને ભર બપોરે તડકામાં ઊભા રાખી સબક શીખવ્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસને જોતાં જ બહાર રખડતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. કેટલીક જગ્યાએ અચાનક પોલીસે ત્રાટકીને કામ વગર રખડતા લોકોને ડંડાથી ફટકાર્યા હતા.

કેટલાક વિસ્તારમાં પોલીસે લોકોને સમજાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સરથાણા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારની પોલીસે કામ વગર રખડવા માટે નીકળી પડેલા લોકોને ‘હું સમાજનો દુશ્મન છું’ તેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા.