Page Views: 5071

હવેથી શાકભાજી બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી જ ખરીદાશે

લોકડાઉનનો લાભ લઇ ભાવો થોડા વધુ પડાવી રહ્યા હોવાની ફરિયાદ પણ ઉઠી

સુરત-24-03-2020

આગામી 31 માર્ચ સુધી સુરત લોકડાઉન જાહેર કરાયું હોવાથી, શહેરીજનો પોતપોતાના ઘરોમાં રહીને માત્ર જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે એકલદોકલ વ્યક્તિઓ બહાર નીકળી રહ્યા છે. જયારે લોકડાઉનના કડક અમલને પગલે રોડ રસ્તા સૂમસામ થઇ ગયા છે. શાકભાજી માર્કેટ વિસ્તારમાં થોડી ચહલપહલ નજર પડે છે. જોકે, શાકભાજીના ભાવ અત્યારે દોઢથી બે ગણા થઈ ગયા છે. જયારે શાકભાજી અને ફ્રુટ્સની ખરીદી માટેની સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. હવેથી શાકભાજી માર્કેટ બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. જયારે મેડીકલને લગતી કોઈપણ ઈમરજન્સી માટે સમયની પાબંધી નથી. જયારે શાકભાજી અને અન્ય વસ્તુ લેવાના બહાને ઘરની બહાર નીકળી જતા હોવાથી તંત્રે આ નિર્ણય લેવાની નોબત આવી છે. જે અંગેની માહિતી પાલિકા કમિશ્નરે આપી હતી.

જોકે શાકભાજીના વિક્રેતાઓ સમયનો લાભ લઈને ભાવો થોડા વધુ પડાવી રહ્યા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. સરેરાશ કરતા ભાવો અત્યારે દોઢથી બે ગણા જેટલા થઈ ગયા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઈ તંગી ઊભી નહીં થાય તેની જોકે, કાળજી પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી હોવા છતાં, કેટલાક તકસાધુઓ આનો લાભ ઉઠાવી રહ્યા છે.