Page Views: 2222

બેન્કના ગ્રાહકોને શિકાર બનાવતી કર્ણાટકની કુખ્યાત શિવમોગા ગેંગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ

સુરત નજીક કડોદરામાં રૂમ ભાડે રાખીને રહેતા હતા- સુરત ઉપરાંત રાજકોટ, ભાવનગર, અંકલેશ્વરમાં કસબ અજમાવ્યો હોવાની કબુલાત

સુરત-24-3-2020
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં બેન્કોની બહાર ઉભા રહીને ગાડીઓના કાચ તોડીને અથવા એક્ટીવા જેવી ગાડીઓની સીટ ઉંચી કરી ડિકીમાંથી રોકડ રકમની ચોરી કરનારા એક બાળ કિશોર સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ કર્ણાટકનની શિવમોગા ગેન્ગના માણસો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે અને તેમણે અંકલેશ્વર, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં ગુના આચર્યાની કબુલાત કરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, કડોદરા નિલમ હોટલ પાછળ આવેલા શિવમ નગર ખાતે ભાડેથી રહેતા સુરેશ પરશુરામ, વિષ્ણુ શંકર શિંદે, આનંદ ગોપાલ ભોય અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ગુનાખોરી આચરીને નાસી છુટવાની માનસિકતા ધરાવે છે. જેથી પોલીસે આ ચારેયને અટકાયતમાં લઇ તેમની પાસેથી રોકડા રૂપિયા 1 લાખ 41 હજાર સહિત, પાંચ નંગ મોબાઇલ ફોન, ગાડીઓમાં પંચર પાડવા માટેનો સુયો, સ્ક્રુ ડ્રાઇવર, પેશન મોટર સાયકલ સહિતની જણસ કબજે કર્યા હતા. ચારેયની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સુરેશ પરશુરામ કર્ણાટકની કુખ્યાત શિવમોગા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તેઓ અલગ અલગ શહેરોમાં બેન્કોની બહાર વોચ રાખીને ઉભા રહેતા હતા. જ્યારે કોઇ ગ્રાહક મોટી રોકડ રકમ લઇને નીકળે ત્યારે તેમનો પીછો કરતા હતા. બાદમાં તેમની કારનો કાચ ગીલોલથી ફોડી નાંખતા હતા અને  કાયદાના સંઘર્ષમાં  આવેલો કિશોર ગાડીઓમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરીને આરોપી સુરેશને થેલો અથવા પાકીટ આપી દેતો હતો. સુરેશ અને વિષ્ણું આ થેલો બાઇક પર લઇને નાસી છુટતા હતા. આ પ્રકારે જ જ્યારે કોઇ ગ્રાહક એકટીવા કે બાઇકની ડિકીમાં રોકડ રકમ લઇને નીકળે ત્યારે એ કોઇ સ્થળે પોતાની ગાડી પાર્ક કરે તો તેની ગાડીમાં પંચર કરીને તેની ડિકી તોડીને રોકડ રકમ કાઢી લેતા હતા. આ ટોળકી દ્વારા સુરત  ઉપરાંત રાજકોટ, ભાવનગર, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ પ્રામાણે ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.