Page Views: 14459

સુરતમાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ આવ્યા-હજુ ચાર શંકાસ્પદના રિપોર્ટ પેન્ડીંગ

મૃતક દર્દીના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના સ્ટાફના ત્રણ ના રિપોર્ટ નેગેટીવ આવ્યા

સુરત-24-3-2020

શહેરમાં વધતા કોરોના ખોફ વચ્ચે સ્થિતિ નિયંત્રણમાં છે તેમ છતા છુટા છવાયા કેસ પોઝીટીવ નોંધાઇ રહ્યા હોવાથી તંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. સુરતમાંથી જે સેમ્પલો મોકલવામાં આવ્યા હતા તે પૈકી વધુ બે દર્દીને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે અને આ બન્નેની તાકીદના ધોરણે સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. વધુ બે કેસ પોઝીટીવ આવતા સુરતમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા સાત થઇ છે. આ સિવાય મહાવીર હોસ્પિટલ ખાતે કોરોનાને કારણે જે દર્દી મોતને ભેટ્યો હતો તેના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના સ્ટાફના સેમ્પલો લઇને તેને પણ રિપોર્ટ માટે મોકલાયા હતા. જે પૈકી ત્રણ દર્દીના કોરોનાના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે. મૃત્યુ પામેલા દર્દીના સંપર્કમાં આવેલા અન્ય ચાર લોકોના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે જેમના રિપોર્ટ હજુ પેન્ડીંગ છે.