Page Views: 5529

કોરોનાના ખોફ વચ્ચે અમરેલી-ભાવનગર જિલ્લામાં વરસાદ ખાબક્યો

કેરીના પાકને વ્યાપક નૂકસાની થવાનો ખતરો

અમરેલીઃ 23-3-2020
સમગ્ર રાજ્યમાં  કોરોના કહેર મચાવી રહ્યો છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર છે આજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણ પલટાયું હતું. દામનગર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદને કારણે શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા. તો અમરેલીના ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુખપુર, ગોવિંદપુર સહિતનાં ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણને પગલે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને કેરીના પાકને આ વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાની થવાની ભીતી છે.
બીજી બાજુ ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધોળા ઉમરાળા રંઘોળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદનું આગમન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. જો કે ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર ધીમું રહ્યું હતું પરંતુ વાતાવરણ એવુ જામ્યુ છે કે, ગમે ત્યારે ધોધમાર વરસાદ તુટી પડશે. સૌરાષ્ટ્રમાં એક તરફ ગરમીના દિવસો શરૂ થવાની તૈયારી છે ત્યારે આ પ્રકારે હવામાનમાં બદલાવ આવવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.