Page Views: 10270

કોરોનાનો કોપ - સુરત શહેર આગામી 31મી માર્ચ સુધી લોક ડાઉન

પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર પોત પોતાની ટીમ સાથે રસ્તા પર ઉતરી આવ્યા – 42 વ્યક્તિ જાહેરમાં થૂંકતા ઝડપાયા રૂપિયા 21 હજાર દંડ વસુલ કરવામાં આવ્યો

પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર પોત પોતાની ટીમ સાથે રસ્તા પર ઉતરી આવ્યા – 42 વ્યક્તિ જાહેરમાં થૂંકતા ઝડપાયા રૂપિયા 21 હજાર દંડ વસુલ કરવામાં આવ્યો
સુરત-23-3-2020
કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત મહાનગર પાલિકાનું તંત્ર બરાબર કામે લાગ્યુ છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પણ તમામ પ્રકારે સતર્કતા રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકા કમિશનર બંછા નીધી પાની દ્વારા અગાઉ તારીખ 25મી માર્ચ સુધી સુરત શહેરને લોક ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વાયરસના વકરતા પ્રકોપને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલા રૂપે આગામી તારીખ 31મી માર્ચ સુધી સુરત શહેરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ દિવસો દરમ્યાન શહેરીજનોને કામ સિવાય ઘરથી બહાર નહીં નીકળવા માટે તાકીદ કરવામાં આવી છે. આ દિવસો દરમ્યાન દૂધ, શાકભાજી અને અનાજ કરિયાણા તેમજ મેડીકલ ટ્રીટમેન્ટ લોકોને સરળતાથી મળી રહે તે માટે આ સેવાઓને સંલગ્ન યુનિટો ચાલુ રાખવા દેવામાં આવશે. આ સિવાય પાનના ગલ્લા, ચ્હાની લારીઓ અને હેર કટીંગ સલુન સહિતના અન્ય ખાણી પીણીના સ્ટોલ અને હોટલ રેસ્ટોરન્ટ સદંતર બંધ રાખવા માટે જાણ કરવામાં આવી છે.

()()() બન્ને કમિશનર પોતાની ફોર્સ સાથે રસ્તા પર ઉતરી આવ્યા
સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછા નિધી પાની અને પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે આજે સવારથી જ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની વિઝીટ માટે નીકળ્યા હતા. ખાસ કરીને શહેરના છેવાડે આવેલા સરથાણા જકાતનાકા વિસ્તારમાં તેમણે સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ લોકોને બિન જરૂરી રીતે આવન જાવન નહીં કરવા માટે તાકીદ કરી હતી. લોકોના ટોળા ન એકત્ર થાય અને કોરોના વાયરસ ફેલાતો અટકે તેના માટે તકેદારી રાખવા પણ લોકોને જાણકારી આપી હતી.
()()() શહેરમાં 42 વ્યક્તિ જાહેરમાં થૂંકતા દંડાયા
પાલિકા કમિશનર અને રાજ્ય સરકારની વારંવારની તાકીદ પછી પણ શહેરીજનો જાહેર સ્વચ્છતા અંગે ઉદાસીન જણાઇ રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામા આવી રહી છે અને જાહેરમાં ગંદકી કરનારાઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન શહેરમાં કુલ 42 વ્યક્તિ જાહેરમાં થૂંકતા ઝડપાયા હતા આ તમામને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દંડ ફટકારીને રૂપિયા 21 હજાર વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો હતો.