Page Views: 17853

કાશ્મીર કી કલી ફિલ્મના જેવા યાદગાર ગીતો આપનારા પણ ભુલાયેલા કવિ – એસ. એચ. બિહારી

શમ્સુલ હુડા ઉર્ફે એસ એચ બિહારીને જાવેદ અખ્તર પોતાના રોલ મોડેલ માનતા હોવાનું કહે છે

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

સરસ મઝાના યાદગાર ગીતો લખ્યાંછતાંય ભૂલાયેલા એવા કવિ શમ્સુલ હુડા બિહારીને આપણે એસ. એચ. બિહારી રૂપે યાદ કરીએ છીએ. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૮૭ના રોજ તેમનું નિધન ૬૫ વર્ષની વયે થયું હતું.તેઓ હંમેશા યાદ કરાશે તેમની ‘શર્ત’, ‘એક મુસાફિર એક હસીના’, ‘કાશ્મીર કી કલી’, ‘સાવન કી ઘટા’ જેવી ફિલ્મોના તેમના રોમાન્ટિક ગીતોથી.

૧૯૨૨માં બિહારના આરામાં તેમનો જન્મ થયો હતો. તેઓ માત્ર ગીતકાર જ નહીં, કવિ અને સંગીતકાર પણ હતાં. તેમની અનેક રચનાઓ મોટે પાયે રેકોર્ડ થઇ હતી અને આજે પણ ગવાય છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં એસ. એચ. બિહારીના ગીતો ખૂબ જાણીતા બન્યાં હતાં. તેમના પૂર્વજોની સંપત્તિ અને વિલા આજના ઝારખંડમાં દેવગઢ જીલ્લાના માધુપુરમાં હતી. તેઓ ત્યાં જ રહીને કવિકર્મ કરતા. આજે પણ તેમની એ વિલા ત્યાં છે. તેમના જન્મ, ઉછેર, શિક્ષક, તાલીમ વિષે વધુ વિગતો મળતી નથી.હિન્દી ફિલ્મોમાં તેઓ હિન્દી અને ઉર્દુમાં કમાલના ગીતો લખતા હતા. તેઓ બંગાળી ભાષા પણ જાણતા હતા. ‘પ્યાર ઝુકતા નહીં’ (૧૯૮૫)ના ગીતો તો તેમણે લખ્યાં હતાં, પણ તેની સ્ક્રીપ્ટ પણ આ બિહારી બાબુએ લખી હતી. આજના સમયના ખૂબ જાણીતા ગીતકાર – લેખક જાવેદ અખ્તરે ૨૦૦૬માં એવું જણાવ્યું હતું કે એસ. એચ. બિહારી તેમના રોલ-મોડેલ હતા. બિહારી માટે જાવેદે કહ્યું હતું કે ‘તેઓ માઈન્ડ બ્લોઇંગ ગીતો લખતા હતા, ભલે આજે તેમને કોઈ જાણતું નથી, પણ તેમની રચનાઓ સાંભળી-ગાઈને પરોક્ષ રીતે પણ તેમને યાદ કરાય છે.’

આવો એસ. એચ. બિહારી સાહેબની કલમે લખાયેલાં કેટલાંક ગીતોને યાદ કરીએ. ૧૯૫૪ની‘શર્ત’ના ‘ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે’ કે‘દેખો વો ચાંદ છુપકે કરતા હૈ ક્યા ઈશારે’ને કોણ ભૂલી શકે? તેઓ આ ગીતોથી લોકપ્રિય થયા હતા. ત્યાર બાદ ‘બહુ’ અને‘બંદિશ’ના ગીતો તેમના હતા. તેમના કાવ્ય તત્વને ઉજાગર કરે તેવું ગીત ‘યે હસતા હુઆ કારવા ઝીંદગી કા ન પૂછો ચલા હૈ કિધર’ તેમણે‘એક ઝલક’ (૧૯૫૬) માટે લખ્યું હતું. તેજ વર્ષે ‘ઇન્સ્પેકટર’ અને‘યહૂદી કી લડકી’ના ગીતો તેમણે લખ્યાં હતાં. કિશોર કુમારની તોફાની ફિલ્મ ‘દિલ્હીકા ઠગ’ માટે બિહારીએ ‘શીખ કે બાબુ પ્યાર કા જાદૂ’ ને‘યે બહાર, યે શમા યે ઝૂમતી જવાનીયા’ લખ્યાં હતાં. સાંઠના દાયકામાં મહાન સંગીતકાર ઓ.પી. નૈય્યરના સંગીતમાં એસ. એચ. બિહારીના ગીતો ખૂબ સફળ થયાં હતાં. ‘એક મુસાફિર એક હસીના’ (૧૯૬૨)માંબિહારીની કલમે લખાયેલાં ‘બહુત શુક્રિયા બડી મેહરબાની’ કે‘મુઝે દેખકર આપકા મુસ્કુરાના’ યાદગાર બન્યાં હતાં. આ ગીતકાર તેમની સર્જનશીલતાની ટોચ પર નૈય્યરદાદાનાસંગીતમાં બનેલી શમ્મી કપૂર – શર્મિલા ટાગોરની ‘કાશ્મીર કી કલી’માંજણાયા હતા. વાહ, શું ગીત બન્યાં હતાં, જે આજે પણ જોવાય-સંભળાય છે. ‘દીવાના હુઆ બાદલ’, ‘હૈ દુનિયા ઉસી કી જમાના ઉસીકા’, ‘ઈશારો ઈશારો મેં દિલ લેનેવાલે’, ‘મેરી જાન બલ્લે બલ્લે’, ‘સુભાનલ્લા હોય હસી ચેહરા હોય’, ‘કિસી ના કિસી સે કહીં ન કહીં’, ‘બલમાં ખુલી હવા મેં’ અને તેમની શિરમોર કવિતા એટલે ‘યે ચાંદ સા રોશન ચેહરા, જુલ્ફો કા રંગ સુનહરા; યે ઝીલ સી નીલી આંખે, કોઈ રાઝ હૈ ઉસમેં ગેહરા; તારીફ કરુ ક્યા ઉસકી, જિસને તુમ્હે બનાયા’ હતી.

તો‘યે રાત ફિર ના આયેગી’ (૧૯૬૬)માં શર્મિલા ગાતાં હતાં, ‘યહી વો જગહ હૈ, યહી વો ફીઝા હૈ, યહીં પર કહીં આપ હમસે મિલે થે’. એજ ફિલ્મમાં રફી સાહેબના સોનેરી અવાજમાં ‘ફિર મિલોગી કભી ઇસ બાત કા વાદા કર લો’, કે‘આપ સે મૈને મેરી જાન મોહબ્બત કી હૈ, આપ ચાહે તો મેરી જાન ભી લે સકતી હૈ’ માં પૂર્ણ સમર્પણ હતું. મહેન્દ્ર કપૂર ગાતા હતા, ‘મેરા પ્યાર વો હૈ જો મર કર ભી તુમકો’, અનેઆશાજી કંઠે ગવાયેલી મહાન રચના હતી, ‘મૈ શાયદ તુમ્હારે લિયે અજનબી હું, મગર ચાંદ તારે મુઝે જાનતે હૈ’.

તેજ વર્ષે, તેજ સંગીતકાર ઓ. પી. નૈય્યરના સંગીતમાં મઢેલા શક્તિ સામંત નિર્દેશિત ‘સાવન કી ઘટા’ના ગીતો આજે પણ યાદ રહ્યાં છે. તેમની ઘોડાગાડીની રીધમવાળું‘જરા હોલે હોલે ચલો મેરે સાજના, હમ ભી પીછે હૈ તુમ્હારે’, રફી સાહેબે ગયેલી યાદગાર ગઝલ ‘જુલ્ફો કો હટા લે ચેહરે સે, થોડાસા ઉજાલા હોને દો’, આશા ભોસલેને કંઠે ‘આજ કોઈ પ્યાર સે દિલ કી બાતે કહ ગયા, મૈ તો આગે બઢ ગઈ, પીછે જમાના રહ ગયા’ ગવાયેલી ગઝલ તો યાદ હશે જ. તોએજ આશાના અવાજમાંઆ ગઝલ પણ યાદ હશે, ‘મેરી જાન તુમપે સદકે એહસાનઇતના કરદો’, જેમ હેન્દ્રકપૂરે પણ ગાઈ હતી. આ ફિલ્મનું આશાજીનું ગાયેલું પ્રમાણમાં ઓછું જાણીતું ‘જો દિલ કી તડપ ન જાને’માંપણ કવિ એસ. એચ. બિહારી ખીલ્યા હતા.

તેજ વર્ષે ધર્મેન્દ્ર-રાજેશ્રીની રોમાન્ટિક ફિલ્મ ‘મોહબ્બત ઝીંદગી હૈ’ માંરફી ગાતા હતા ‘ન જાને કયું હમારે દિલ કો તુમને દિલ નહીં સમજા’ તથા‘યે પૂરનૂર ચેહરા યે દિલકશ અદા’. આશાજીના કંઠે ગવાયેલાં આ ગીતની કવિતા જુઓ, ‘રાતો કો ચોરી ચોરી બોલે મોરા કંગના, અબકે જો બરખા આઈ આયેંગે સજના.’ તે ઉપરાંત આશા-મહેન્દ્ર કપૂરના યુગલ ગીતો પણ હતાં.

૧૯૬૭ની ફિરોઝ ખાન – મુમતાઝની‘સી.આઈ.ડી. ૯૦૯’માં નૈય્યરની ધૂન પર આશા ગાતાં હતાં ‘યાર બાદશાહ, યારે દિલરુબા’ તે ઉપરાંત વધુ ચાર રોમાન્ટિક ગીતો બિહારીએ અહીં લખ્યાં હતાં. ‘હમસાયા’માં આ કવિએ સુંદર ભજન ‘ઓ કન્હૈયા, કન્હૈયા કન્હૈયા’ આપ્યું હતું. શંકર જયકિશનના સંગીતમાં પણ ‘ઝૂક ગયા આસમાન’માં તેમના ગીત હતાં તો દેવ આનંદની‘દુનિયા’માં મુકેશના કંઠે શીર્ષક ગીત ‘દુનિયા ઇસી કા નામ હૈ, દુનિયા ઇસી કો કેહ્તે હૈ’ આ કવિની રચના હતી. આ ટીમે રાજેન્દ્ર કુમારની ‘શતરંજ’માં પણ સાથે કામ કર્યું હતું.

એસ. એચ. બિહારીના ગીતો વાળી વધુ ફિલ્મો યાદ કરીએ તો ‘પગલા કહીં કા’, ‘જાને અંજાને’, ‘પ્રેમરોગ’, ‘તેરી મેહરબાનિયાં’ પણ યાદ આવે. પણ બે એવી રચના આ ગીતકાર, સંગીતકાર ઓ.પી.નૈય્યરે આપી જે કદી નહીં ભૂલાય. ફિલ્મ‘કિસ્મત’ના ગીતમાં આશા ભોસલે સાથે લગભગ બે દાયકા બાદ શમશાદ બેગમ જોડાયાં હતાં અને ‘કજરા મોહબ્બતવાલા’ જેવી ધમ્માલ રચના બની હતી, જે આજે પણ શ્રોતાઓને ઝુમાવે છે. તો નૈય્યર અને આશાજીની લગભગ આખરી યાદગાર રચના સુનીલ દત્તની‘પ્રાણજાયે પર વચન ન જાયે’ માટે‘ચૈન સે હમકો કભી આપને જીને ન દિયા, ઝહર ભી ચાહા કભી પીના તો પીને ના દિયા’ થી આ તમામ કલાકારો અમર થઇ ગયાં.