Page Views: 9275

અરવલ્લીમાં મામેરું લઇ જતા પરિવારના ટ્રેક્ટરનો અકસ્માત : ટ્રકની ટક્કરથી છ નદીમાં ડૂબ્યા

પાંચના ડૂબી જવાથી મોત : એક બાળકીનું સારવાર દરમિયાન મોત – ૧૫ ઘાયલ

અરવલ્લી-૨૮-૦૨-૨૦૨૦ 

અરવલ્લીમાં એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના છના મોત થયા છે. માલપુરના વાત્રક નદી પરના બ્રીજ પરથી પસાર થતા એક ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારી હતી. જે ટક્કર બાદ ટ્રેક્ટર પુલની રેલીંગ સાથે અથડાયું હતી અને પુલની રેલીંગ તૂટી ગઈ હતી. અને ટ્રકમાં બેસેલા છ લોકો નદીમાં પડયા હતા. આ અકસ્માતમાં છના મોત થયા હતા. જયારે ૧૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રેક્ટરમાં સવાર ત્રણ ભાઈઓનો પરિવાર મેઘરજના બેલ્યો ગામથી મામેરું લઈને જતો હતો દરમિયાન આ ઘટના બની હતી.

અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, સોમવારે સાંજના સમયે અરવલ્લીના મેઘરજના બેલ્યો ગામથી વીરાભાઇ મોંઘાભાઇ ચમાર અને તેમના ત્રણ ભાઈઓ માલપુરના મહીયાપુર ગામે બહેન લાડુબેન જેઠાભાઇ પરમારના ઘરે પુત્રના લગ્ન હોવાથી પરિવારજનો અને ગ્રામજનો સાથે મળીને ૩૨ જેટલા લોકો ટ્રેક્ટરમાં મામેરું લઈને જઈ રહ્યા હતા. દરમિયાન માલપુરના વાત્રક નદી પરના પુલ પરથી ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું. તે દરમિયાન પાછળથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. જે ટક્કર બાદ ટ્રેક્ટર પુલની દીવાલ સાથે અથડાતા પુલની રેલિંગ તૂટી ગઈ હતી. અને ટ્રેક્ટરમાં બેસેલા ૬ લોકો નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોનું નદીમાં ડૂબી જવાથી અને એકનું અકસ્માતમાં મોત થયું હતું. જયારે ૧૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદ આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અકસ્માતમાં ઇજા પામેલાને ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમની મદદ લઈને નદીમાં ડૂબેલાઓની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેમાં ચાર મૃતદેહ શોધવામાં ફાયરબ્રિગેડ એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓ સફળ રહ્યા હતા. જે મૃતદેહને કાઢીને પીએમ અર્થે નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જે બાદ વધુ એક યુવકની લાશ મળી આવતા તમામના મૃતદેહને પીએમ માટે માલપુર સીએચસીમાં ખસેડી અન્ય મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી.

મૃતકોમાં હિમેશ કનુભાઈ પરમાર, અંકિત કાળુભાઇ પરમાર, મહેશભાઈ ડાહ્યાભાઈ પરમાર, રાજદીપ ભાનુભાઇ પરમાર, જયેશ કાંતિભાઈ પરમાર અને પિન્કીબેન કાંતિભાઈ પરમારનો સમાવેશ થાય છે.