Page Views: 5611

સચિન જીઆઇડીસીના 42 લાખના રોપા કૌભાંડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાથ કાળા કર્યાનો આરોપ

અધિકારીઓએ કહ્યું તેમની ગેર હાજરીમાં નિર્ણય લેવાયો વર્ક ઓર્ડર ક્યારે અપાયો તે પણ ન જાણતા હોવાનું કહ્યું

સુરત-13-2-2020

સચિન જીઆઇડીસીના વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચારની વિગતો એક પછી એક બહાર આવી રહી છે ત્યારે હવે વૃક્ષા રોપણ કૌભાંડમાં નવો જ ખુલાસો થયો છે.  સચિન જીઆઇડીસીના ગ્રીન ઝોનમાં ત્રણ ગણા ભાવે વૃક્ષા રોપણ કરવા માટે છોડ ખરીદવા માટે 42 લાખ રૂપિયાની લહાણી કરવામાં આવી હોવાની વાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ નિર્ણય લઇને આ કામ આપવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ ગાંધીનગર જાણ કરી છે. જેના પગલે આગામી ટુંક સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના આ કારનામા ખુલ્લા પડી જશે એવુ લાગી રહ્યું છે.

સચિન જીઆઇડીસીના ગ્રીન ઝોનમાં વૃક્ષા રોપણ કરવા માટે કોઇ પણ પ્રકારના ટેન્ડર વગર પ્રત્યેક છોડ રૂપિયા 1050માં ખરીદવામાં આવ્યો હોવાની વાત મયુર ગોળવાળાએ આરટીઆઇ કરીને મેળવી હતી. સુરત મહાનગર પાલિકા કે વન વિભાગ દ્વારા જે છોડ મફત આપવામાં આવે છે તેને ચંદનના છોડ કરતા પણ મોંઘા ભાવે ખરીદીને પોતાના મળતિયાઓને અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ફાયદો કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મામલે જીઆઇડીસીના નોટીફાઇડ બોર્ડના સભ્ય એવા બે અધિકારીઓએ તેમને ગાંધીનગરથી સોંપાયેલી તપાસમાં પુછવામાં આવતા તેમણે સ્પસ્ટ કર્યું છે કે, રોપા ખરીદવા માટેની જે બેઠક હતી તેમાં તેઓ હાજર ન હતા. તેમજ આ નિર્ણય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યો છે જેથી તેમની કોઇ જવાબદારી બનતી નથી.

આ કૌભાંડને લઇને એટલી વાત તો સ્પસ્ટ થઇ ગઇ છે કે, રોપા કૌભાંડમાં જીઆઇડીસીના વહીવટદારોના લેવલ પર બધુ રંધાયુ છે અને તેમાં જમી જનારા પણ કોણ છે એ હવે ગાંધીનગરના અધિકારીઓને જાણ થઇ ગઇ છે. આ તપાસમાં ચૂંટાયેલા સભ્યોનું ભોપાળું હવે ખુલ્લું થઇ ગયુ છે અને ટુંક સમયમાં જ સચિન જીઆઇડીસીના બની બેઠેલા વહીવટદારો સામે પગલા ભરવામાં આવે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.