Page Views: 8795

ચોકલેટી અભિનેતા વિનોદ મેહરા

મલ્ટી સ્ટાર ફિલ્મોમાં વિનોદ મેહરા વધારે દિપી ઉઠતા હતા

સુરત-નરેશ કાપડિઆ

હિન્દી ફિલ્મોના જાણીતા ચોકલેટીઅભિનેતા વિનોદ મેહરાનો આજે ૭૫મો જન્મદિન છે. છેક પચાસના દાયકામાં વિનોદે બાળ કલાકાર રૂપે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મોટા થયા પછી ૧૯૭૧થી તેમણે એકસો જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.

૧૩ ફેબ્રુઆરી, ૧૯૪૫ના રોજ અમૃતસરમાં વિનોદનો જન્મ થયો હતો. તેઓ ફિલ્મોમાં આવ્યા તે પહેલાં તેમના મોટી બેન શારદા ફિલ્મોમાં અભિનય કરતા હતાં. બાળ કલાકાર રૂપે ‘રાગિણી’ (૧૯૫૮)માં વિનોદે નાના કિશોર કુમારની ભૂમિકા ભજવી હતી. એવી થોડી વધુ ફિલ્મો કર્યા બાદ વિનોદ મેહરા મુખ્ય કલાકાર રૂપે તનુજા સાથે સફળ ફિલ્મ ‘એક થી રીટા’ (૧૯૭૧)માં આવ્યા હતા.  યુનાઈટેડ પ્રોડ્યુસર્સ દ્વારા નવા કલાકારની શોધ માટે થયેલી ટેલેન્ટ હન્ટની ફાઈનલમાં તેઓ રાજેશ ખન્ના બાદ બીજા ક્રમે હતા.

તરત જ નવી અભિનેત્રી યોગિતા બાલી સાથે ‘પરદે કે પીછે’ અને પછી ‘એલાન’, ‘અમર પ્રેમ’ તથા ‘લાલ પથ્થર’ આવી. શક્તિ સામંતની મોસમી ચેટરજી સાથેની ‘અનુરાગ’ (૧૯૭૨)થી વિનોદ મેહરા એક અભિનેતા તરીકે સ્થાયી થયા. પછીના બે દાયકામાં તેઓ સો ફિલ્મો સુધી પહોંચી ગયા. જોકે ઘણી મલ્ટી સ્ટારર ફિલ્મોમાં તેઓ ભાઈ, મિત્ર, કાકા, પિતા કે પોલીસ અધિકારી રૂપે દેખાયા. તેમણે અનેક મોટા અભિનેતા સાથે કામ કર્યું જેમાં અમિતાભ, સંજીવ કુમાર, રાજેશ ખન્ના, સુનીલ દત્ત કે ધર્મેન્દ્ર હતાં. તેમની સાથે રેખા, મૌસમી ચેટરજી, યોગિતા બાલી, શબાના આઝમી કે બિંદિયા ગોસ્વામીની જોડી જામી હતી.

વિનોદ મહેરાની જાણીતી ફિલ્મોમાં નાગિન, જાની દુશ્મન, ઘર, સ્વર્ગ નરક, કર્તવ્ય, સાજન બિન સુહાગન, જુર્માના, એક હી રાસ્તા, યે કૈસા ઇન્સાફ, સ્વીકાર કિયા મૈને કે ખુદ્દારને યાદ કરી શકાય. તેમને ‘અનુરોધ’, ‘અમર દીપ’ અને ‘બેમિસાલ’ માટે સહાયક અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ માટેના નામાંકન મળ્યાં હતાં.

તેમણે ‘ગુરુદેવ’ નામની ફિલ્મનું નિર્માણ-નિર્દેશન કર્યું, જેમાં શ્રીદેવી, હૃષી કપૂર અને અનીલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે વિનોદનું નિધન થયું પછી નિર્દેશક રાજ સિપ્પીએ એફિલ્મ પુરી કરી રજૂ કરી હતી. વિનોદ મેહરાએ ત્રણ વાર લગ્ન કર્યા હતાં. પહેલાં લગ્ન મીના બ્રોકા સાથે થયા, જે સ્થાયી થાય તે પહેલાં વિનોદને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પણ સારા થયા પછી વિનોદે તેમની ઘણી ફિલ્મોના નાયિકા એવા બિંદિયા ગોસ્વામી સાથે લગ્ન કર્યા, ત્યારે પણ તેઓ મીનાજી સાથે પરિણીત હતા જ. મીનાજી તેમને છોડીને પિયર જતાં રહ્યાં હતાં. જોકે વિનોદના બિંદિયા સાથેના લગ્નની વાત તરત ફેલાતા બિંદિયા વિનોદ મેહરાને છોડીને જે.પી. દત્તા સાથે પરણી ગયાં હતાં. પછી નજીક આવેલાં અભિનેત્રી રેખા સાથે વિનોદે લગ્ન કર્યા હોવાની વાત ચોમેર ફેલાઈ હતી, પરંતુ સિમી ગરેવાલ સાથેના ૨૦૦૪ના ટીવી શોમાં રેખાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના લગ્ન થયા જ નહોતા અને વિનોદ માત્ર રેખાના શુભેચ્છક હતા. ૧૯૮૮માં વિનોદે ત્રીજી વાર લગ્ન કર્યા, જયારે તેમના પત્નીનું નામ કિરણ હતું. આ લગ્ન છેવટ સુધી ટક્યા. તેમના બે સંતાનો પણ છે.૩૦ ઓક્ટોબર, ૧૯૯૦ના રોજ તેમનું માત્ર ૪૫ વર્ષની ઉમરે વિનોદ મેહરાનુંનિધન થયું હતું.
વિનોદ મેહરાના જાણીતા ગીતો: આપ કી આંખો મેં, તેરે બિના જીયા જાયે ના (ઘર), તેરે નૈનો કે મૈ દીપ જલાઉંગા (અનુરાગ), લીના ઓ લીના (સ્વર્ગ નરક), દિલ કે ટુકડે ટુકડે (દાદા), બુંદે નહીં સિતારે (સાજન કી સહેલી), કિતની ખુબસુરત યે (બેમિસાલ), જીજાજી જીજાજી હોનેવાલે જીજાજી (સાજન બિના સુહાગન), મુઝે રહના હૈ (પ્યાર કી જીત).