Page Views: 8716

કોઇપણ પ્રોડકટ માટે બ્રાન્ડીંગ એ લોકોની સાયકોલોજી સાથે સીધી કનેકટ થાય

ચેમ્બરમાં ‘બ્રાન્ડ પાવર ટુ પાવર યોર બ્રાન્ડ’વિષય ઉપર માર્ગ દર્શન આપવામાં આવ્યું

સુરત : 13-2-2020

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવારે, ૮મી ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘બ્રાન્ડ પાવર ટુ પાવર યોર બ્રાન્ડ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંત વકતા તરીકે હાર્મોની મલ્ટીમિડીયાના શ્રી રાજેશ દેસાઇ અને સિન્કોરો વેન્ચુર્સ પ્રા.લિ.ના શ્રી કશ્યપ પંડયા દ્વારા પ્રોડકટની બ્રાન્ડીંગ માટે મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ  મૃણાલ શુકલએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, સુરતની પ્રોડકટને વિશ્વ ફલક ઉપર લઇ જવા માટે બ્રાન્ડીંગ ખુબ જ જરૂરી બાબત છે. જેના વિશે આજના નિષ્ણાંત વકતાઓ માર્ગદર્શન આપશે. વકતા રાજેશ દેસાઇએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, પોતાની પ્રોડકટ અને સર્વિસને લોકો સુધી પહોંચાડવાનો પ્રથમ રસ્તો બ્રાન્ડીંગ છે. બ્રાન્ડીંગનો ફસ્ટ પાર્ટ ટ્રેડમાર્ક, લોગો, સિમ્બોલ, પંચલાઇન, જિંગલ કે પછી કોઇ સ્પેસિફીક ચીજ હોઇ શકે જે અન્યો કરતા તમને માર્કેટમાં જુદા કરે. તમે તમારી પ્રોડકટને જનરલ ટ્રેન્ડ, માર્કેટ અને સ્પેશિયલ ટ્રેન્ડમાં વેચી શકો છો. બ્રાન્ડીંગ માટે ફૂડ પ્રોડકટ્‌સ અને ઇન્ડસ્ટ્રી સંબંધિત પ્રોડકટ્‌સના પેકેજિંગ કલર કોડીંગ જુદા–જુદા હોય છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બ્રાન્ડીંગમાં દરેક માણસ બે વસ્તુઓ ઉપર કામ કરે છે. ‘વી’ અને ‘મી’. સમાજ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલો માણસ હોય તો બ્રાન્ડીંગ ઘણું કામ લાગે છે. જયારે પર્સનલ સ્પેસની વાત આવે ત્યારે ‘મી’વાળો કોન્સેપ્ટ કામ લાગે છે. બ્રાન્ડીંગમાં પર્સનલ સ્પેસની પણ જરૂર પડે છે. જે માર્કેટમાં તમારી પ્રોડકટને અન્યો કરતા સાવ જુદી પાડે છે. દેસાઇએ વધુમાં કહયુ કે, બ્રાન્ડીંગ માટે તમારા પ્રોડકટની પેકેજિંગ, પ્રાઇઝીંગ, પ્લેસમેન્ટ, પ્રમોશન્સ અને પોઝીશનીંગ જેવી બાબતો પણ મહત્વનો ભાગ ભજવે છે. ૧૦૦ ટકામાંથી ૮૦ ટકા લોકો પ્રથમ વખત તમારી પ્રોડકટને ખરીદનારા હોય છે. એમાંથી ર૦ ટકા લોકો તમારી પ્રોડકટને વારંવાર ખરીદનારા હોય છે. પ્રોડકટની બ્રાન્ડીંગ માટે રીચ મહત્વની છે. આથી પ્રોડકટને વધુમાં વધુ જગ્યાએ પહોંચાડવી પડશે. બ્રાન્ડીંગ એ સાયકોલોજી સાથે કનેકટ બાબત છે, જેની સીધી અસર ગ્રાહકના મગજ ઉપર પડે છે.

વકતા કશ્યપ પંડયાએ પણ બ્રાન્ડીંગ એ લોકોની સાયકોલોજી સાથે કનેકટ બાબત હોવાનું કહી જણાવ્યુ હતુ કે, ફિલીંગ અને હાઇ ઇન્વોલ્વમેન્ટ જોઇને બ્રાન્ડીંગ કરવાનું હોય છે. બ્રાન્ડીંગ માટે ઇન્ફોર્મેટીવ, હેબીટ ડ્રીવન, સેલ્ફ સેટીસ્ફેકશન અને અફેકટીવ આ ચારેય બાબતો સાયન્સ છે. આથી બ્રાન્ડીંગ એ સાયન્સ અને આર્ટનું કોમ્બીનેશન છે. બ્રાન્ડીંગ ખર્ચાળ છે એવી લોકોની માન્યતા છે. કેટલીક બ્રાન્ડ એવી છે જેની કયારેય જાહેરાત કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બ્રાન્ડીંગ માટે સ્ટોરી બનાવી વેલ્યુ સિસ્ટમ ઉભી કરવી પડે છે. તમારી પ્રોડકટ કઈ ઉમરની વ્યકિત માટે છે તેનો અભ્યાસ કરી એવા લોકોને ટાર્ગેટ કરવા પડશે. તેમણે કેટલીક ચોકલેટની જાહેરાતોના ઉદાહરણો સાથે આ અંગેની સમજણ પણ આપી હતી.