Page Views: 21020

જાણો...સૂર્યાને મરાઠી અને હાર્દિકને ભાજપના ક્યા નેતાનું પીઠબળ

ભાજના એક નેતા દિલ્હીમાં બેસે છે બીજા નેતા ગાંધીનગર બેસે છે- હત્યાની વાત જાણીને બન્ને નેતાઓના મોં ખસીયાણા પડી ગયા હતા

સુરતઃ-13-2-2020

ગલી મહોલ્લામાં દાદાગીરી કરનારા ટપોરીઓને રાજકારણીઓ પાળીને મોટા કરતા હોવાની વાત બોલિવુડની ફિલ્મોમાં બતાવાય છે તેમાં માત્ર પાત્રોના નામ અને લોકેશન જ બદલાય છે. ગઇ કાલે સુરતમાં સૂર્યા મરાઠી અને હાર્દિકે એક બીજાની સામ સામે હત્યા કરી તેમાં પણ શહેરના ભાજપના બે મોટા નેતાઓના નામ ચર્ચામાં આવ્યા છે. જ્યારે આ ઘટનાની જાણકારી બન્ને નેતાઓને થઇ ત્યારે આ બન્ને નેતાઓ જે લોકોની સાથે હતા તેમણે તેમની બોડી લેંગ્વેજ ચેઇન્જ થયાની નોંધ કરી હતી. સ્થાનિક લેવલ પર આ નેતાઓની આસપાસ ફરનારા લોકોએ પણ આ બન્ને નેતાઓને ગઇકાલે મ્હો કાળાપડી ગયેલી હાલતમાં જોયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

સૂર્યા મરાઠી મહારાષ્ટ્રના રાયપુરમાંથી તડીપાર થઇને સુરત આવ્યો પછી નાનપુરામાં રહીને ઓટો ચલાવતો હતો અને તેના મગજની ગરમી થોડી શાંત થઇ રહી હતી. ત્યારે જ તેને એક બેકરીવાળાએ જમીનના વિવાદમાં મધ્યસ્થી કરવા માટે પોતાની સાથે રાખ્યો હતો અને સૂર્યાએ વેડરોડ વિસ્તારમાં મારા મારી કરીને આ મામલો શાંત કર્યો હતો. ત્યારે થયેલા પોલીસ કેસ બાદ તેને ખટોદરા જેલમાં મોકલાયો હતો અને ત્યાં તેને મનુ ડાહ્યા બારૈયા સાથે દોસ્તી થઇ હતી. શરૂઆતમાં બારૈયાની ટોળકી સાથે બે ચાર કબાડાના કેસ પતાવ્યા બાદ સૂર્યાએ પોતાના ટપોરીઓની ટોળકી બનાવી હતી અને તેમાં તેણે જમીનોના વિવાદો પતાવવા માટે સારી એવી રકમ ઉસેટી લીધી હતી. સૂર્યાની વાતો સુરતના એક દિલ્હી લેવલના નેતા સુધી પહોંચી હતી અને સૂર્યાની ધાકનો ઉપયોગ તેમને પણ ફાયદો કરવાશે એ લાલચે તેમણે સૂર્યાને પીઠબળ પુરૂ પાડવાનું ચાલુ કર્યું હોવાનું કહેવાય છે. આ પ્રકારે જ સૂર્યાના કેશિયર તરીકે કામ કરતા હાર્દિક પટેલને પણ આ વિસ્તારના જ એક ગાંધીનગર સુધી પહોંચેલા ભાજપના નેતાના આશીર્વાદ મળતા થઇ ગયા હતા. કોઝ વે પાસેની જમીનના વિવાદમાં પણ હાર્દિકના માધ્યમથી જ સૂર્યાનો પ્રવેશ થયો હોવાનું પણ કહેવાય છે.

આ બન્ને નેતાઓને જ્યારે ગઇ કાલના હાર્દિક અને સૂર્યાના લોહીયાળ જંગની જાણકારી મળી ત્યારે તેમના મ્હો પડી ગયા હતા અને તેમની બોડી લેંગ્વેજ પણ ચેઇન્જ થઇ ગઇ હોવાનું તેમના નજીકના જ માણસોનું કહેવું છે.